એકતાનગરમાં દૂષિત પાણીનો પુરાવો છતાં અધિકારીઓ વચ્ચે જવાબદારીની ખો
વડોદરા: છાણી જકાતનાકા વિસ્તારની એકતાનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોના કેસો નોંધાયા છે. એકતાનગર અર્બન પી.એચ.સી.ની ટીમોએ તાત્કાલિક સર્વે શરૂ કર્યો હતો જેમાં પાલિકાના આંકડા મુજબ છેલ્લા બે દિવસમાં એસ.એસ.જી. હોસ્પિટલમાંથી 5 પોઝિટીવ કેસોની પુષ્ટિ થઈ છે. હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સુધારાની દિશામાં છે. સવાસ્થ્ય વિભાગે અત્યાર સુધી 2470 વસ્તી ધરાવતા 557 ઘરોમાં ઘરઘર સર્વે કર્યો છે. જેમાં 13 શંકાસ્પદ ઝાડા-ઉલટીના કેસ મળી આવ્યા છે. તમામ દર્દીઓને તાત્કાલિક દવાઓ અને 2850 જેટલા ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે. વિસ્તારના 247 પાણીના નમૂનામાંથી 230 પોઝિટીવ તથા 10 નેગેટિવ સેમ્પલ મળ્યા છે. દૂષિત પાણીનો પુરાવો મળ્યા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ અધિકારી કે કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરાઈ નથી. પાણીની લાઇનોમાં ક્લોરિન ટેસ્ટ કરીને 8 હજાર ક્લોરિનની ગોળીઓ વિતરણ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે જનજાગૃતિ માટે પત્રિકાઓનું વિતરણ કરીને પીવાનું પાણી ઉકાળીને પીવું, બહારનું ખોરાક ન ખાવું, વાસી ખોરાક ટાળવો જેવી તકેદારીઓ માટે માર્ગદર્શન આપ્યું છે. તબીબી કેમ્પમાં કુલ 20 દર્દીઓ તપાસાયા, જેમાં 7 દર્દીઓને દૂષિત પાણીના કારણે તકલીફ જણાઈ હતી. અર્બન આરોગ્ય કેન્દ્રમાં રોજે 3થી 5 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ એક 11 વર્ષીય બાળકીનું મોત થયું હતું. આ બાળકીનું મોત દૂષિત પાણીના કારણે થયું હોવાની ચર્ચાઓ વિસ્તારમા̆ ચાલી રહી છે. સમગ્ર મામલે ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ. રાજપૂતે જણાવ્યું કે મામલો પાણી પ્રોજેક્ટ વિભાગનો છે. જ્યારે પાણી વિતરણ વિભાગના ડી.ઇ. આલોક શાહે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લા બે દિવસમાં કંઈ મળ્યું નથી. આજના સેમ્પલ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. તેમણે ઉમેર્યું કે વિસ્તારની જૂની પાણી અને ગટર લાઇનો બદલવાની કામગીરી દિવાળી બાદ વોર્ડ લેવલે શરૂ થશે. આમ, પાણી વિતરણ શાખાએ વોર્ડ પર ઢોળ્યું અને ઉતર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પાણી પ્રોજેક્ટ પર મામલો ઢોળી દીધો અને કોઈ જવાબદારી નક્કી થઈ નહીં. હાલમાં પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે જવાબદારી અંગે ખો ખો રમત ચાલી રહી છે, જ્યારે એકતાનગરના નાગરિકોને દૂષિત પાણીના કારણે તહેવારના દિવસોમાં રોગચાળાનો સામનો કરવો પડી રહ્યો છે.