અબાકસ સર્કલ પાસે નવા બ્રિજ માટે સિંગલ પીલર ડિઝાઇન અપનાવાશે, સ્થાયીમાં ફરી દરખાસ્ત રજૂ
સમા વિસ્તારમાં નવા ફ્લાયઓવર માટે રૂ. 56.56 કરોડના બ્રીજનો કુલ ખર્ચ રૂ. 120 કરોડ સુધી જવાની શક્યતા !
વડોદરાના સમા વિસ્તારમાં અબાકસ સર્કલ પર નવીન ફ્લાયઓવર બનાવવા માટે યોજનાબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. આ બ્રિજનું કામ રૂ. 42.85 કરોડના અંદાજિત ખર્ચ કરતા 32% વધુ ભાવ, એટલે કે રૂ. 56.56 કરોડના ખર્ચે તૈયાર થનાર કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ કામમાં ડબલ પીલર ડિઝાઇનની જગ્યાએ સિંગલ પીલર ડિઝાઇન અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને આ બ્રિજને હયાત ઊર્મિ બ્રિજ સાથે જોડવાની દરખાસ્ત રજૂ કરાઈ છે.
નવી ડિઝાઇન મુજબ, બ્રિજની ઊંચાઈ 5.5 મીટર રહેશે અને બંને તરફ 10.50 મીટરનો ગેરેજ વે તથા 1.50 મીટરનો ફૂટપાથ રહેશે. બ્રિજને જોડવાથી 40 મીટરનો પબ્લિકેટેરી સ્પાન બનાવાશે, જેના કારણે ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનશે. પાઈલ ગ્રુપમાં ફેરફાર અને એસ.ઓ.આર. મુજબ નવીન કામગીરીના ભાગ રૂપે બ્રિજની લંબાઈ 3.5 મીટર વધારવાની દરખાસ્ત છે. હયાત ઊર્મિ બ્રિજને ટોપ લેવલે મર્જ કરીને અપડાઉન પદ્ધતિથી નિર્માણ કરાશે.
પ્રસ્તાવના સંદર્ભે પાલિકા દ્વારા રૂ. 56.56 કરોડના નાણાં ફાળવવામાં આવ્યા છે, પરંતુ વધારાના માર્જિનના કામો અને બ્રિજ લંબાવવાના ખર્ચને લઈને કુલ ખર્ચ રૂ. 120 કરોડ સુધી જઈ શકે છે. વધારાનો ખર્ચ પાલિકાની અન્ય ગ્રાન્ટ અથવા બજેટ ફાળવણીમાંથી કરવો પડશે, જેના કારણે પાલિકાની તિજોરી પર આર્થિક બોજ વધશે. હયાત ઊર્મિ બ્રિજ સાથે જોડાણના મુદ્દે સ્થાયી સમિતિના સભ્યો વચ્ચે અગાઉ મતભેદ રહ્યા છે. કેટલાક સભ્યોએ અબાકસ સર્કલથી હાઈવે સુધી બ્રિજ લંબાવવાની માંગ કરી છે, જેથી ટ્રાફિક માટે વધુ સગવડતા મળી શકે.
ઉલ્લેખનીય છે કે, શહેરના સમા વિસ્તારમાં નવો ફ્લાઈઓવર બ્રિજ બનાવવાના આયોજનને અગાઉ સ્થાયી સમિતિએ મુલતવી રાખ્યું હતું. આ બ્રિજની જૂની ડિઝાઇન પ્રમાણે 54 કરોડના ખર્ચે નિર્માણ થવાનું હતું, પરંતુ નવી યોજનામાં તેને લિંક કરવાથી ખર્ચ 120 કરોડ સુધી પહોંચી ગયો હતો, જેનો વિરોધ થયો બાદ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. ધારાસભ્યો અને સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ આ ખર્ચ વધારાને ન્યાયસંગત ન ગણતા આ મુદ્દે સખત વાંધો નોંધાવ્યો હતો. અગાઉ સ્થાયી સમિતિની બેઠકમાં, સમા કેનાલ ક્રોસ કરીને મેકડોનાલ્ડ તરફ બ્રિજ લંબાવવા માટે કેટલાક સભ્યોએ ફરી રજૂઆત કરી હતી. અગાઉ પણ આ વિવાદિત બ્રિજની સ્થળ મુલાકાત લઈ, કેટલાક સભ્યોએ તેને લંબાવવાની ભલામણ કરી હતી. ત્યારે હવે ફરીથી આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા ચર્ચાએ જોર પકડ્યું છે.
