નિવૃત પ્રમુખે શિક્ષક સંઘના હોદ્દેદારોએ કરેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા
જુદાજુદા જિલ્લામાં જઈ હોદ્દાની રૂહે ચૂંટણીને પ્રભાવીત કરે છે : મૃગેન્દ્રસિંહ સોલંકી
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પદે નિવૃત્ત થઈ ગયા હોવા છતાં પણ બંધારણની જોગવાઈ અનુસાર તેઓ હોદ્દા ઉપરથી રાજીનામું આપી કાર્યકારી પ્રમુખની નિમણૂક નહીં કરી હોવાના આક્ષેપ સાથે શિક્ષક સંઘના અન્ય હોદ્દેદારો દ્વારા આ મામલે કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરી ખાતે કમિશનરને કરેલી રજૂઆતમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખ મૃગેન્દ્રસિંહ સોલંકી અને ધર્મેન્દ્ર જોષીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પદે ભરતભાઈ પટેલ ગત તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ નિવૃત્ત થયા છે. જેવો બંધારણની જોગવાઈ અનુસાર જ્યારે કર્મચારી નિવૃત થાય ત્યારે આપોઆપ સભ્ય પદ જ રદ થાય અને કોઈ પણ હોદ્દા ઉપર રહી શકે નહીં તેવું હોવા અંગે અગાઉ બે વાર લેખિતમાં જાણકારી તેમને પોતે અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ પટેલને પણ કરી છે, છતાં પણ તેઓએ હોદ્દા ઉપરથી રાજીનામું આપી કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી નથી, સાથો સાથ તેઓ ગેર બંધારણીય રીતે પ્રમુખ પદે રહીને મહામંડળની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરી ચૂંટણીના નિષ્પક્ષાને જોખમમાં મુકેલ છે. જેથી સત્વરે તેઓને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપવા તથા આગામી સમયમાં સરકાર દ્વારા કે શિક્ષક વિભાગ દ્વારા કોઈપણ સંકલન માટેની મીટીંગ બોલાવેલ હોય તો કાર્યકારી પ્રમુખને જ આમંત્રણ આપવાનું રહે તેમ જણાવાયું છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈને પોતાના હોદ્દાની રૂહે ચૂંટણીને પ્રભાવીત કરે છે.
બધાએ સર્વ સંમતિથી ઠરાવ કર્યો છે :
31 ઓક્ટોબર ના રોજ નિવૃત્ત થયો એ પહેલા પાંચમી તારીખે મહામંડળની મીટીંગ મળી હતી. એમાં અમારા સરકારમાં જે કાંઈ પ્રશ્નો ચાલુ છે. એ બાબતે નવા હોદ્દેદારો નિમાય નહીં ત્યાં સુધી મારે અને મંત્રીશ્રીએ કામ કરવાનું, બધાએ સર્વ સંમતિથી ઠરાવ કર્યો છે. એ જ મિટિંગમાં જેમણે મારા વિરુદ્ધમાં અરજી આપી છે એમણે પોતે કૂદી કૂદીને પોતે સક્ષમ છે. એવો સાબિત કરવા માટેનો પ્રયત્ન કર્યો. રાજ્ય પ્રતિનિધિની બેઠકમાં 46 જણની સહી છે હવે એ ચૂંટણી હારવાના થયા તો તમે ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું ફોર્મ પાછા ખેંચવાનું પતી ગયું આવતા રવિવારે ચૂંટણી છે તો કેવી રીતે કાર્યકારી પ્રમુખ બનાવી શકાય. : ભરતભાઈ પટેલ