વડોદરા : શહેરના દંતેશ્વર વિસ્તારમાં ઉમા ચાર રસ્તા ખાતે વોર્ડ નં. ૧૫માં આવેલા ઘણા મકાનોએ ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, ગેટ અને મોટા શેડ બનાવ્યા હોવાની તંત્રને માહિતી મળી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમે આજે આ જગ્યાએ પહોંચી ૧૪ જેટલા કાચા-પાકા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવ્યું હતું. દબાણ તોડવાની કાર્યવાહી દરમિયાન પોલીસનો કાફલો, જીઈબીની ટીમ તથા એમ્બ્યુલન્સ વાહન પણ તૈનાત રાખવામાં આવ્યું હતું, જેથી કોઇ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. સ્થાનિક લોકો દ્વારા હોબાળો કરવા અને ટીમ સાથે બોલાચાલી થવાના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસના દખલથી સ્થિતિ નિયંત્રણમાં રાખવામાં આવી. તંત્ર દ્વારા બે મોટા શેડ સહિતના તમામ બાંધકામો તોડીને સ્થળ પરથી બે ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો. નોંધનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે, જેને પગલે પાલિકા દ્વારા હવે તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.