Charotar

ઉમરેઠ કોલેરાગ્રસ્ત જાહેર : ઠેરઠેર ગંદકી યથાવત

ઉમરેઠ નગરપાલિકાનો અણઘણ વહીવટ ખુલ્લો પડ્યો, રોગચાળો વકરતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
ઉમરેઠમાં કોલેરાના બે કેસ આવતાં તંત્ર સફાળુ જાગ્યું

(પ્રતિનિધિ) ઉમરેઠ તા.6
ઉમરેઠના જુદા જુદા બે વિસ્તારોમાં કોલેરાની બીમારી પ્રસરતાં શહેરીજનો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. છતાં પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉમરેઠ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી  રોડ-રસ્તા, ગંદકી, દુર્ગંધ, સ્ટ્રીટ લાઈટ વગર  અંધારપટ જેવી પારાવાર સમસ્યાઓનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. આવી સમસ્યા વચ્ચે કોલેરાનો રોગચાળા ફેલાઈ રહ્યો છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસરની સીધી સૂચનાથી સફેદ પાવડર તરીકે ઓળખાતી DDT નો નાટકીય રીતે છંટકાવ કરવામાં આવ્યો છે. 
ઉમરેઠના બજાર વિસ્તારમાં  સફાઈ કર્યા વગર જ ગંદકીના લાપેડાઓ ઉપર કરેલો દેખાડા માટે DDT  પાવડરનો છંટકાવ કરી સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે. ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં પારાવાર સમસ્યાઓનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. સમગ્ર ઉમરેઠ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઠેકઠેકાણે ગંદકી અને કચરાના ઢગલા જણાઈ રહ્યા છે. પરંતુ પાલિકાના સત્તાધીશોને પ્રજાની સુખાકારી મામલે ખુબ જ બેદરકારી દાખવી રહ્યા છે. જેથી હાલમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ હોવાનું ઉમરેઠના નગરજનો ખુબ આક્રોશ સાથે જણાવી રહેલ છે. 
પાલિકાના સત્તાધિશોના અણઘડ વહીવટના કારણે સૌથી વધુ ગંદા શહેર તરીકે ઉમરેઠ આગળ વધી રહ્યું છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉમરેઠના દરેક વિસ્તારોમાં પાલિકા દ્વારા સાફસફાઈ અને કચરાના નિકાલ માટે નિયમિત વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી દરેક વિસ્તારમાં રોગચાળાની સ્થિતિ સર્જાય તેવી ભીતી સેવાઈ રહી છે. જેથી ઉમરેઠના નગરજનોના હિત માટે સત્તાધીશો જાગૃત બનીને લોકહિતના કાર્યો ખૂબ અસરકારક રીતે કરે તેવી માંગ વ્યક્ત કરવામાં આવી છે.

રોગચાળો વકરતાં પાણીપુરીઓની લારીઓ બંધ કરાશે 
ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો રોગચાળાની સ્થિતિ છે. કોલેરા એ પાણીજન્ય રોગ છે જે દૂષિત પાણીના કારણે ફેલાતો રોગ છે.  જેને કારણે જ્યાં જ્યાં દૂષિત પાણીની શક્યતાઓ હોય ત્યાં ઉચ્ચ અધિકારીઓની સીધી સુચના હેઠળ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ઉમરેઠના મોટાભાગના વિસ્તારોમાં ધમધમતી પાણીપુરીઓની લારીઓ સામે કડકપણે કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ તાત્કાલિક અસરથી પાણીપુરી વેચાણ બંધ કરી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. 

Most Popular

To Top