Vadodara

ઉમરેઠમાં 300 વર્ષો જુની પરંપરાગત અષાઢી તોલવાની પ્રણાલી યથાવત  : આગામી વર્ષ સમધારણ  રહેશે.,શિયાળુ પાક સારો રહેશે 

ઉમરેઠ નગરના અતિપ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં  ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી

(પ્રતિનિધિ) ઉમરેઠ, તા.22

ઉમરેઠ એ અતિપ્રાચીન નગરી છે. ભારતના છોટે કાશી તરીકે ઉમરેઠ જગપ્રસિદ્ધ છે. સમગ્ર ભારતમાં માત્ર આ એક જ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની 300 વર્ષ જૂની પરંપરા છે. ગુરુપૂણિઁમાના દિવસે નવ ધાન્ય અને દસમી માટી જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે. 

     અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે. આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડુતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા સાથે વર્તારો થતાં ખેતી કાર્યો બાબતે નિર્ણય લેતા હોય છે. આષાઢી તોલવાના પ્રસંગે ઉમરેઠ ગામના અગ્રણી વેપારી વર્ગ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

આષાઢીનાં વર્તારા પ્રમાણે આવનારુ વર્ષ સમધારણ વર્ષ રહેશે. જેમાં વિશેષ રીતે ઘઉં, તલ, અડદ, જુવાર પાક ખુબ સારો થશે, શિયાળુ પાક સારો રહેશે તથા વરસાદ પાછોતરો રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે.

Most Popular

To Top