નવ વર્ષમાં ઉછીના લીધેલા રૂ.56.98 લાખ વ્યાજ સહિત પરત કર્યાં છતાં ધમકી આપી
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.19
ઉમરેઠમાં વેપારી પેઢી ચલાવતા વરિષ્ઠ નાગરિકને ધંધામાં નાણાની જરૂર પડતાં તેના પુત્રના મિત્ર પાસેથી વર્ષ 2015થી 2024 દરમિયાન વ્યાજે નાણા લીધાં હતાં. આ નાણાં વ્યાજ સહિત ચુકવી દીધાં છતાં વ્યાજખોર શખ્સે નાણાં માંગી મકાન ખાલી કરવા ધમકી આપી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે વ્યાજખોર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
ઉમરેઠના કોર્ટ રોડ પર રહેતા ઇન્દ્રવદન નટવરલાલ ગાંધી (ઉ.વ.62) મેસર્સ દિનેશ બ્રધર્સ નામની ભાગીદારી પેઢી ચલાવતાં હતાં. ઇન્દ્રવદન ગાંધીના પુત્ર પવન પણ આ વેપારી પેઢી પર બેસતાં હતાં. આ દરમિયાન પવનનો મિત્ર ધ્રુવલ રાજુ પટેલ આવન – જાવન કરતાં હતાં. આ ગાળામાં ધંધાકીય કામે આર્થીક તંગીના કારણે નાણાની જરૂરિયાત ઉભી થઈ હતી. આથી, ધ્રુવલ પટેલે પોતાની પાસે લાયસન્સ હોવાનું જણાવ્યું હતું અને વ્યાજે નાણા આપવા તૈયારી દર્શાવી હતી. આથી, વિશ્વાસ રાખી ઇન્દ્રવદનભાઈએ 12મી ફેબ્રુઆરી, 2015થી 28મી જૂન, 2024 સુધી સમયાંતરે થોડા થોડા હાથ ઉછીના નાણા વ્યાજે લીધાં હતાં. જેની કુલ રકમ રૂ.56,98,251 વ્યાજે ઉછીના લીધાં હતાં. જેની સામે મુદલ તેમજ ત્રણથી પાંચ ટકાના વ્યાજ સહિતના નાણાં ચુકતે કરી આપ્યાં હતાં. આમ છતાં ઉછીના લીધેલા નાણા અને તે પર વધુ વ્યાજ વસુલવાની લાલચે ધ્રુવલ રાજુ પટેલે ખોટા હિસાબો બતાવીને વધુ વ્યાજ વસુલવા પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તે વારંવાર દુકાને આવી લારી – ગલ્લા પર બેસી રોજના વકરા પર પોતાનો ખોટો રોફ જમાવીને ગલ્લામાં રહેલા નાણા પર અધિકાર જમાવતો હતો.
આ ઉપરાંત ઇન્દ્રવદનભાઈ ભારત ગેસની ડિસ્ટ્રીબ્યુટર્સનું કામકાજ તથા ગેસ સીલીન્ડર તથા તે અંગેના સામાન ખરીદ – વેચાણનો વેપાર કરતાં હતાં. જેથી ધ્રુવલ પટેલ વારંવાર મફત રીફીલીંગ કરાવતો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં રસ્તામાં રોકી ધમકી આપી હતી. આ ઉપરાંત ધ્રુવીલ વધારાના રૂ.20 લાખ માંગી ધમકીઓ આપી 21મી જૂન,2020ના રોજ નોટરી પાસે લઇ જઇ સમજુતી કરાર કરાવી લીધો હતો. જેમાં મકાન લખાવી લીધું હતું. અલબત્ત, આ અંગે કેસ પણ ચાલ્યો હતો.
ઉમરેઠનો ધ્રુવલ પટેલ દર મહિને ત્રણથી પાંચ ટકા મુજબનું પઠાણી વ્યાજ વસુલતાં હતાં અને વ્યાજે લીધેલા નાણાની સામે ચેક લઇ તેને બાઉન્સ કરી ગુનો દાખલ કર્યો હતો. દરમિયાનમાં 28મી જૂન, 2024ના રોજ ધ્રુવલ પટેલ ઘરે આવ્યો હતો અને ઘરના સભ્યોને અપશબ્દ બોલી મકાન ખાલી કરવા મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ઇન્દ્રવદનભાઈએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ધ્રુવલ રાજુ પટેલ (રહે. ઉમરેઠ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.