ઉમરેઠના રામ તળાવ ખાતે મળી આવેલા તાજા જન્મેલા મૃત નવજાત શિશુમાં કાર્યવાહી
મંદિરમાં કામ કરતાં 63 વર્ષિય વૃદ્ધે 28 વર્ષની યુવતીને ભોજન આપવાના બહાને હવસનો શિકાર બનાવી
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.12
ઉમરેઠ પંથકમાં છેલ્લા ચારેક દિવસથી ચર્ચાના વિષય બનેલા બનાવમાં આખરે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઉમરેઠ શહેરના રામ તળાવ ખાતે 9મીના રોજ તાજુ જન્મેલું મૃત શિશુ મળી આવ્યું હતું. આ અંગે તપાસ કરતાં શિશુની માતા દૂષ્કર્મનો ભોગ બની હતી. જેના કારણે ગર્ભ રહ્યો હતો. જોકે, તેણે નજીકના મંદિરના વૃદ્ધ સેવક પર આરોપ મુક્યો હતો. જેના કારણે પોલીસે ત્રણેક દિવસની તપાસના અંતે સેવક વૃદ્ધ સામે દૂષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉમરેઠ શહેરમાં આવેલા રામ તળાવ ખાતે 9મી નવેમ્બરના રોજ પાણીમાં ત્યજી દીધેલું એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ બાબતે મહિલા તથા બાળક સંબંધીત ગુનામાં સંવેદનશીલ બનીને પોલીસે તપાસ શરૂ કરી હતી. આ બાળકને જન્મ આપી ત્યજી દેવાના કેસમાં ઉમરેઠની જ એક અપરિણીત અને થોડા અંશે માનસિક અસ્થિર યુવતીનું નામ બહાર આવ્યું હતું. આ યુવતીએ ડિલીવરી બાદ બાળક મૃત હાલતમાં જન્મેલું હોવાથી યુવતીની માતા દ્વારા તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ઉમરેઠ રામ તળાવ ખાતે પાણીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. બીજી તરફ ડીલીવરી બાદ યુવતીની તબિયત લથડતાં તેને પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર ચાલુ હોવાથી યુવતીની પુછપરછ ટાળવામાં આવી હતી.
આ અંગે જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.એમ. પાવરાએ તપાસ શરૂ કરી હતી. જેમાં 11મી નવેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં યુવતીની પુછપરછ કરતાં સમગ્ર મામલો દુષ્કર્મનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના ઘરની પાસે આવેલા મંદિરમાં સેવા કરતાં વૃદ્ધ ભગવાનના થાળનું જમવાનું લેવા અવાર નવાર બોલાવતાં હતાં. આ સમયે માનસિક પરિસ્થિતિનો ગેરલાભ લઇ મંદિરમાં આવેલા રસોડામાં અવાર નવાર દૂષ્કર્મ ગુજારવામાં આવતું હતું. જેના કારણે ગર્ભ રહી ગયો હતો અને મૃત બાળકનો જન્મ થયો હતો. આ અંગે પોલીસે કાંતિ શીવા વાઘેલા (ઉ.વ.63) (રહે. ચકલાસી, તા. નડિયાદ) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ માટે મેડિકલ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં.
ડીએનએ ટેસ્ટમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે
ઉમરેઠના મંદિરમાં સેવા કરતાં કાંતિ વાઘેલા દ્વારા યુવતી પર વારંવાર દૂષ્કર્મ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મામલામાં પોલીસે વધુ તપાસ અર્થે કાંતિ વાઘેલાના ડીએનએ ટેસ્ટ લીધા છે. જે ડીએનએ બાળક સાથે મેચ કરવામાં આવશે. આ ઉપરાંત કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે શિશુનું પેનલ ડોક્ટર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટ આધારે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે કાંતિ વાઘેલા, યુવતી અને બાળક ત્રણેયના ડીએનએ લીધા છે. આ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
ત્રણેક વર્ષ પહેલા જ મંદિરમાં સેવક તરીકે જોડાયો હતો
ચકલાસીના રઘુપુરામાં રહેતા કાંતિ શીવા વાઘેલા 63 વર્ષિય છે. તેના પત્નીનું 1997માં જ અવસાન થયું હતું. જ્યારે તેની એક દિકરીના લગ્ન થઇ ગયાં છે. કોરોના પહેલા સાળંગપુરની શાળામાં પટાવાળા કમ સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો. પરંતુ કોરાના કાળમાં શાળા બંધ રહેતા તે ચકલાસી પરત આવી ગયો હતો. એકાદ વરસ છુટક કામ કર્યા બાદ ત્રણેક વર્ષ પહેલા ઉમરેઠ મંદિરમાં સેવા પૂજા અને સાચવણી માટે જોડાયો હતો. આ મંદિરમાં આસપાસમાં ભક્તો દ્વારા ભગવાનના થાળ જમાડવામાં આવતાં હતા. જેમાં કાંતિ વાઘેલા જમી લીધા બાદ વધેલી રસોઇ માટે યુવતીને બોલાવી આપતો હતો. જોકે, યુવતી માનસિક અસ્થિર હોવાનો લાભ ઉઠાવી એક વર્ષથી તેને રસોડામાં લઇ જઇ દૂષ્કર્મ ગુજારતો હતો.