ઉમરેઠની બજારમાં ખરીદી કરવા આવેલા સાળા – બનેવીને અકસ્માત નડ્યો
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.5
ઉમરેઠના બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં પેટ્રોલ પંપ સામે પુરપાટ ઝડપે જતી ટ્રક સાથે બાઇક અથડાયું હતું અને હજુ ટ્રકનો ચાલક વાહન રોકે તે પહેલા તોતિંગ વ્હીલ બાઇક સવાર યુવક પરથી ફરી વળતાં તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
આણંદના રણછોડપુરામાં રહેતા ગીરીશભાઈ આશાભાઈ ઠાકોર ખેતી કરે છે, તેમનો નાનો ભાઇ સંજય ઠાકોર (ઉ.વ.40) છે. જેના લગ્ન ખાનકુવા ગામે થયાં હતાં. દરમિયાનમાં 4થી એપ્રિલના રોજ બપોરના સુમારે સંજય ઘરે હતો તે સમયે તેનો સાળો ગોપાલ અંબાલાલ ઠાકોર ઘરે આવ્યો હતો. તેઓને ઉમરેઠ બજારમાં કામ હોવાથી ગોપાલ તથા સંજય બાઇક લઇને ઉમરેઠ જવા નિકળ્યાં હતાં. બપોરના ત્રણેક વાગે જાણવા મળ્યું કે, ઉમરેઠ બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. આથી, ગીરીશભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તેઓએ જોયું તો રોડ પર વળાંકમાં ગોપાલનું બાઇક પડ્યું હતું. જ્યારે ગોપાલને ઇજા પહોંચી હતી. જ્યારે સંજયને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ લોહી – લુહાણ હાલતમાં મૃત્યું નિપજ્યું હતું. આ બાબતે ગોપાલને પુછતાં જણાવ્યું હતું કે, ઉમરેઠ બસ સ્ટેન્ડથી પસાર થતા હતા તે વખતે બાઇક હું ચલાવતો હતો. વળાંકમાં પસાર થતાં હતાં તે વખતે ટ્રક ચાલકે તેની ટ્રક પુરઝડપે ચલાવી બાઇકને પાછળથી અચાનક ટક્કર મારી હતી. જેના કારણે બન્ને રસ્તા પર જ પટકાયાં હતાં. હજુ કોઇ કંઇ સમજે તે પહેલા ટ્રકના પાછળના તોતિંગ વ્હીલ સંજય પરથી ફરી વળ્યાં હતાં. જેથી ટ્રકના વ્હીલ નીચે કચડાઇ જતાં સંજયનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર ટ્રક નં.એચઆર 58 સી 7099 હતો. આ અંગે ગીરીશભાઈ ઠાકોરે ઉમરેઠ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.