ડીઝાસ્ટર અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ગેસ પાઈપ લાઈનના લીકેજને બંધ કરાવ્યું
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.12
ઉમરેઠમાં ખંભોળજથી ઓડ તરફ જતા રસ્તા ઉપર આવેલી જય અંબે હોટલની નજીક જેસીબીથી રોડની બાજુમાં ખોદકામ કરતાં સમયે જમીનની અંદરે રહેલી ગેસ પાઇપલાઇનમાં ઉપર વાગવાથી પાઈપલાઈનમાં મોટું કાણું પડતાં તેમાંથી ગેસ ફૂવારા સ્વરૂપે ઉપરની બાજુએ ઉડવા લાગતા અફડા તફડી મચી હતી. જોકે, કલેક્ટરને જાણ થતાં તાત્કાલિક ડિઝાસ્ટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ બંધ કર્યું હતું.
ઉમરેઠ રોડ પર આવેલી જય અંબે હોટલની બાજુમાં રોડના કામકાજ દરમિયાન જેસીબીથી ખોદકામ કરતાં સમયે ગેસ લાઇનને ભારે નુકશાન થયું હતું. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. આ રસ્તો વાહન વ્યવહાર અને લોકોની સતત અવર જવરથી વ્યસ્ત હોવાથી દુર્ઘટનાનો ભય ઉભો થયો હતો. જોકે, એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય જાગૃત નાગરીકે કલેક્ટર પ્રવીણ ચૌધરીને ફોન દ્વારા ગેસ લીકેજની જાણ કરી હતી. જેના પગલે કલેકટરે તુરંત જ ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લેવા જણાવ્યું હતું. આથી, ડીઝાસ્ટરની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને ચરોતર ગેસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ફૂવારા સ્વરૂપે ઉડતા ગેસને બંધ કરી પાઈપલાઈનમાં જરૂરી સમારકામ કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
આ ઘટનાના પગલે ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને તેમની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને કોઈપણ જાનહાનિ થાય તે પહેલા ગેસની પાઇપલાઇનને તાત્કાલિક ધોરણે લીકેજિસનું રીપેરીંગ કામ કરવામાં આવતા મોટી જાનહાની થતી અટકી હતી. જાગૃત નાગરિકની સતર્કતાના કારણે મોટી જાનહાનિ અટકતા કલેકટર પ્રવીણ ચૌધરીએ જાણકારી આપનાર નાગરિકને અભિનંદન પાઠવ્યા હતા.