હમીદપુરા – રતનપુરા ચોકડી પાસે અકસ્માત સર્જાયો
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.21
ઉમરેઠના ઓડ સારસા રોડ પર હમીદપુરા – રતનપુરા ચોકડી પર પુરપાટ ઝડપે જતી એસટી બસની ટક્કરે બાઇક સવારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે એસટી બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ભાલેજ ગામની ફાતમા સોસાયટીમાં રહેતા આમીરોદ્દીન ઝહીરોદ્દીન કાઝીનો નાનો ભાઇ અમાનુદ્દીન (ઉ.વ.19) છેલ્લા અઠવાડીયાથી ફાયનાન્સ કંપનીના લોનના હપ્તા રીકવરીનું કામ કરતો હતો. જેના માટે બાઇકનો ઉપયોગ કરતાં હતાં. દરમિયાનમાં 21મી મેના રોજ અમાનુદ્દીન ફાયનાન્સ કંપનીનું કામ હોવાથી કાલસર ગામે ગયો હતો. જ્યાંથી સવારના સાડા દસેક વાગ્યાના સુમારે બાઇક લઇને નોકરીએ જવા નકળ્યો હતો. આ સમયે તેની સાથે ગામના સમીર યાસીન મલેક, ફરહાન સાજીદ મલેક પણ હતાં. તેઓ બારેક વાગ્યાના સુમારે ઉમરેઠથી ઓડ સારસા તરફ જતા હમીદપુરા – રતનપુરા ચોકડી પાસે પહોંચ્યાં તે સમયે અકસ્માત નડ્યો હતો. આ અંગેની જાણ થતાં આમીરોદ્દીન તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જ્યાં તપાસ કરતાં એસટી બસ ઉભી હતી અને ઘણા લોકો ભેગા થયાં હતાં. એસટી બસના આગળના ભાગે બમ્ફર નીચે બાઇક હતું.
આ અંગે આજુબાજુના લોકોને પુછતાં જાણવા મળ્યું હતું કે, બાઇક પર ત્રણ સવારી હતાં અને તેઓ બાઇક લઇ નવાપુરા બાજુથી રતનપુરા તરફ જતા હતા, તે વખતે રોડ ક્રોસ કરતાં હતાં અને ઉમરેઠ બાજુથી એસટી બસ પુરપાટ ઝડપે ધસી આવી અને બાઇકને ટક્કર મારી હતી. હજુ કોઇ કંઇ સમજે તે પહેલા ત્રણેય યુવાન બસના બમ્ફરની નીચે આવી ગયાં હતાં. જેમાં સમીર અને ફરહાનને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અમાનુંદ્દીન કાજીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે એસટી બસ ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.