નડિયાદથી પણસોરા મિત્રના ઘરે બેસવા આવેલા વ્યક્તિની કારના કાચ તોડી બે બેગ ઉઠાવી તસ્કરો ભાગી ગયા
આણંદ.
ઉમરેઠના પણસોરા ગામમાં રહેતા વેપારીના ઘરે નડિયાદથી તેમનો મિત્ર આવ્યો હતો. આ મિત્રએ તેની કાર થોડે દુર પાર્ક કરી હતી. આ કાર પર તસ્કરની નજર પડતાં તેનો કાચ તોડી તેમાં રોકડા રૂ.80 હજાર ભરેલી બેગની ઉઠાંતરી કરી ભાગી ગયા હતા. આ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઉમરેઠના પણસોરા ગામમાં રહેતાં રાકેશ અશોકભાઈ પંડ્યા મોબાઇલની દુકાન ધરાવે છે. તેઓ 30મી જાન્યુઆરીના રોજ ઘરે હતાં તે સમયે તેમના મિત્ર શૈલેષ મોહનભાઈ દલવાડી (રહે. નડિયાદ) સાંજના સુમારે આવ્યાં હતાં. શૈલેષભાઇએ તેની કાર જુની ગ્રામ પંચાયત પાસે રસ્તા પર પાર્ક કરી હતી. બન્ને મિત્રો વાતચીત કરતાં હતાં તે સમયે જાણવા મળ્યું કે, લીંગડા પાસે બે બેગ બિનવારસી હાલતમાં મળી છે અને તેમાં શૈલેષભાઇને કાર્ડ મળી આવયું છે. આથી, શૈલેષભાઈ ચોંકી ગયા હતા અને તુરંત સ્થળ પર પહોંચ્યાં હતાં. તપાસ કરતાં તે બન્ને થેલા શૈલેષભાઇના જ હતા અને કારમાં મુકીને આવ્યાં હતાં. આથી, તેઓ કાર પાસે જતાં તેમાં કાચ તુટેલો હતો અને ટાયરમાં પણ હવા કાઢી નાંખી હતી. આમ, અજાણ્યા શખસોએ કાચ તોડી તેમાંથી રોકડા રૂ.80 હજાર ભરેલી બેગની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે રાકેશકુમાર પંડ્યાની ફરિયાદ આધારે ભાલેજ પોલીસે ગુનો નોંધ્યો હતો.