Vadodara

ઉભરાતા ગટરના ગંદા પાણીથી વડોદરા શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા



પ્રતિનિધિ વડોદરા તા. 9
વડોદરા શહેરને કોની નજર લાગી છે? આ પ્રશ્ન એટલે જરૂરી બની ગયો છે કેમ કે વડોદરા શહેરના નાગરિકોની તકલીફો દૂર જ નથી થઈ રહી. ચોમાસુ શરૂ થયું તે સમયે વડોદરા શહેરના નાગરિકો પીવાના ગંદા પાણીથી પીડાતા હતા. ત્યારબાદ છેલ્લા બે મહિનામાં શહેરના રાજમાર્ગો પર એટલા બધા ખાડાઓ અને ભુવાઓ પડ્યા કે શહેરીજનોનું રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ બની ગયું. ત્યારબાદ શહેરમાં બે વાર આવેલ માનવસર્જિત પૂરને લીધે નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અને હવે શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂઆત થઈ છે ગટરો ઉભરાવવાની. તંત્રની કામગીરીથી નગરજનો એટલા કંટાળી ગયા છે કે હવે મીડિયા સમક્ષ આવીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. એક તરફ ગટરો ઉઘરાવવાની સમસ્યા તો સામે આવી જ રહી છે સાથે સાથે વડોદરા શહેર પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીના વોર્ડમાં જ થોડા વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી રહી છે.

તાંદલજા:


તાંદલજા વિસ્તારમાં વુડાના મકાનોમાં રહેતા નાગરિકો દ્વારા ગટર ઉભરાવાની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 દિવસથી સમગ્ર સોસાયટીમાં ગટરમાં પાણી ભરાયેલા છે. નાગરિકો તો ખરા જ સાથે નાના નાના બાળકોને શાળાએ જતી વખતે પણ ગટરના પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી રહી છે. રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી ગટરના ગંદા પાણીનો કોઈપણ નિકાલ આવ્યો નથી. ગટરના ગંદા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો પણ ફેલાયો છે જેના લીધે નાના બાળકો બીમાર છે.

આજવા રોડ:


ત્યાં જ બીજી તરફ આજવા રોડ વિસ્તારમાં રામદેવ નગર-2 માં લોકો ગટર ના ગંદા પાણી ઉભરાવવાના કારણે એટલા પરેશાન થઈ ગયા કે આખરે કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં મીડિયા સમક્ષ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રામદેવ નગર – 2 સોસાયટીમાં અનેક ઘરોમાં ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને તેવામાં સમગ્ર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેનાથી લોકો કંટાળી ગયા છે. છેલ્લા 25 દિવસથી સ્થાનિક રહીશો ને તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે ગટરનું ગંદુ પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે લોકોને ઘરમાં તે બહાર નીકળવાની પણ તકલીફ પડી રહી છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટરોને પણ સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી.

ખંડેરાવ માર્કેટ


જો શહેરના મધ્યમાં આવેલ વિસ્તારની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી પાસે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર છેલ્લા 20 દિવસથી ગટરો ઉપરાવવાની સમસ્યા સામે આવી રહી છે. કચેરી ની સામે જ આ સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તેનાથી એ સાબિત થાય છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે‍. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ મીઠાઈ ની દુકાનોમાં આવતા ગ્રાહકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. મીઠાઈ ની દુકાન ના સંચા લોકો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને ઘણીવાર આ બાબતે રજૂઆત કર્યા બાદ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી.

મેયરનો વોર્ડ નંબર 4

આવી જ કઈ તકલીફનો સામનો વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની ના વોર્ડમાં રહેતા નાગરિકોને પડી રહી છે. થોડાક જ વરસાદમાં વોર્ડ નંબર 4 ની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી અને તેની સાથે જ ગટરનું પાણી પણ ઉભરાતું હોવાથી વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે. જે કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવો ભય પણ સેવાઈ રહ્યો છે. મેયર પોતે જ પોતાના વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા હોય તો વડોદરા શહેરના સૌ નાગરિકોની તકલીફ કેવી રીતે દૂર કરશે તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે મેયરની સાથે અન્ય ત્રણ કાઉન્સિલરો પણ વિસ્તારમાં સક્રિય હોવા જોઈએ પરંતુ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે અન્ય ત્રણ કાઉન્સિલરોને પણ વિસ્તારના નાગરિકો ના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવવું.

Most Popular

To Top