નવસારી : ઉભરાટ-મરોલી (Maroli) રોડ પર માંગરોળ ગામ પાસે બાઈક સ્લીપ (Bike sleep) થતા સુરતના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજા થઇ હોવાનો બનાવ મરોલી પોલીસ (Police) મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, સુરત ચોર્યાસી તાલુકાના બોણંદ ગામે વાડી ફળીયામાં કમલ પંકજભાઈ રાઠોડ (ઉ.વ. 19) તેમના પરિવાર સાથે રહેતા. ગત 14મીએ કમલ તેના મિત્ર રાજકુમાર દિનેશભાઈ રાઠોડ અને રાજકુમાર રમેશભાઈ રાઠોડ સાથે બાઈક (નં. જીજે-05-એચવી-6685) લઈને જલાલપોર તાલુકામાં આવેલા ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. દરમિયાન ત્યાંથી તેઓ પરત સુરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઉભરાટ-મરોલી રોડ પર માંગરોળ ગામ પાસેથી પસાર થતી વેળા બાઈક સ્લીપ થઇ ગઈ હતી.
જેના પગલે કમલ અને બંને મિત્રોને શરીરે ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે મરોલી સી.એચ.સી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે કમલને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેના બંને મિત્રોની સારવાર ચાલી રહી છે.
ભીલાડ હાઇવે ઉપર ટ્રક સાથે અથડાતા મોટર સાયકલ સવારનું મોત
ઉમરગામ : ભીલાડ હાઇવે ઉપર ટ્રક સાથે અથડાતા મોટર સાયકલ સવારનું મોત નિપજ્વા પામ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બાવીસા ફળિયા સેલવાસ દાદરા નગર હવેલી ખાતે રહેતા ફખરે આલમ સિદ્ધિકી મોહમદ ઉસ્માન (ઉ.વ.40) પોતાની મોટરસાયકલ નંબર ડી.એન- 09-એફ-8218 લઈને શુક્રવારે સવારના સમયે ભિલાડ નરોલી બ્રિજ નજીક મુંબઈથી વાપી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે ગલફતભરી રીતે મોટર સાઇકલ હંકારી ટ્રક ટેલર સાથે અથડાવી દેતા થયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થતા વાપીની હરિયા હોસ્પિટલમા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન મોત નીપજવા પામ્યું હતું. આ બનાવની ભિલાડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અતુલ નજીક હાઇવે પર અકસ્માતમાં રાહદારીનું અજાણ્યા વાહન અડફેટે મોત
વલસાડ : વલસાડ નજીક હાઇવે નં. 48 પર માર્ગ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીક અતુલ મુકુન્દ પાસે રહેતો અને કંપનીમાં કામ કરતો ચંદન આનંદી મહંતો ગતરોજ ચાલતો ચાલતો શાકભાજી લેવા નીકળ્યો હતો. ત્યારે હાઇવે પર કોઇ અજાણ્યા વાહને તેને અડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં ચંદન કુમારનું મોત નિપજ્યું હતુ. બનાવ સંદર્ભે રૂરલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.