ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એક મહિના દરમિયાન ૬૩૪ યુનિટ પર ચેકીંગ, ૧૬૦૦ કિલોથી વધુ અનહેલ્ધી વસ્તુઓનો નાશ
વડોદરા: ઉનાળાની ઋતુમાં ફળો, રસ અને ઠંડા પીણાંનું સેવન સામાન્ય છે, પણ આરોગ્યના દૃષ્ટિકોણે તેમનું શુદ્ધ હોવું અત્યંત જરૂરી છે. એ જ દિશામાં, શહેરના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સુચનાઓ હેઠળ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વ્હાઈટ કોલર ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા છેલ્લા એક મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૩ કેરીની વખારો, ૪૯ કેરીના રસના તંબુઓ, ૬૭ શેરડીના રસના કોલા, તથા ૩૭ નોન-પેકેજડ પાણીના યુનિટ્સ સહિત કુલ ૬૩૪ જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું. ચેકીંગ દરમિયાન ૫૭૦ કિલો બગડેલા કે કાપેલા ફળો, ૧૧૭ કિલો ખુલ્લા ફળો, ૬૩૭ કિલો સીન્થેટીક કલરવાળો કેરીનો રસ અને ૨૬૮ કિલો સીન્થેટીક ચાસણી સહિત કુલ ૧૬૦૦ કિલોથી વધુ હાનિકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, ૭૨ નમુનાઓને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મારફતે શહેરમાં ૨ ટ્રેનિંગ અને ૨૩ અવેરનેસ કાર્યક્રમો પણ યોજાયા હતા. ટી.પી.સી. મશીન વડે ૩૭ સ્થળોએ તેલની ઘનતા ચકાસવામાં આવી. શહેરના ખંડેરાવ માર્કેટ, સીધ્ધનાથ ગેટ, વેરાઇ માતા ચોક સહિતના વિસ્તારોમાં આ ચેકીંગ વડે પાલિકાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–૨૦૦૬ અને રુલ્સ –૨૦૧૧ મુજબ આરોગ્યના મર્યાદિત સ્ત્રોતોને સુસજ્જ રીતે સંચાલિત કર્યા. આ ચેકીંગ ડ્રાઈવ માત્ર અનહેલ્ધી પદાર્થોના નાશ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ વેપારીઓને સ્વચ્છતા જાળવવા તથા નિયમિત રિપોર્ટિંગ માટે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.