Vadodara

ઉનાળાના કારણે ડ્રેસ-કોડમાં મહત્વપૂર્ણ છૂટછાટ, ગરમી વધતા વકીલોને કાળા કોટમાંથી રાહત

1 એપ્રિલથી 31 જુલાઈ સુધી કાળો કોટ ફરજીયાત નહીં, સફેદ શર્ટ સાથે લોગોવાળી ટાઈ જરૂરી

વડોદરા તારીખ 28

ઉનાળાની કડક ગરમીને ધ્યાનમાં રાખીને ધારાશાસ્ત્રીઓ માટે ડ્રેસ-કોડમાં મહત્વપૂર્ણ છૂટછાટ આપવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ વકીલો માટે કાળો કોટ અને ટાઈ ફરજીયાત હોય છે, પરંતુ એપ્રિલથી જુલાઈ દરમિયાન કાળો કોટ પહેરવાથી અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હતો. અનેક વકીલો પરસેવાથી ત્રસ્ત બનતા તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.
આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા.12-03-2009ના રોજ ખાસ કમિટી બનાવી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ડ્રેસ-કોડમાં ફેરફાર બાબતે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને તા. 18-03-2009ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
આ નોટિફિકેશન મુજબ દર વર્ષે 1લી એપ્રિલથી 31મી જુલાઈ સુધી તાલુકા, જિલ્લા અને સેશન કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોને કાળો કોટ પહેરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમયગાળામાં વકીલો માટે સફેદ શર્ટ સાથે સફેદ કોલર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઈ પહેરવી ફરજીયાત રહેશે.

Most Popular

To Top