( પ્રતિનિધિ )વડોદરા,તા.12
રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 40.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 23.6 ડીગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા અને સાંજે 22 ટકા નોંધાયું હતું. વડોદરા સહિત વિવિધ જિલ્લામાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. આગામી 48 કલાક દરમિયાન કાળજાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અગાઉ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું. જે અત્યારે લેસ માર્ક થઈ ગયું છે. હાલમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં થોડો વધારો નોંધાયો છે. નવી કોઈ સિસ્ટમ નહીં બનતા આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ તાપમાનમાં ખાસ કોઈ બદલાવ નોંધાઈ શકે તેવી શક્યતા નથી. નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ગરમીનો આતંક વધવાની શક્યતા છે. એસી અને પંખાનો ધમધમાટ વધારે પડતો શરૂ થશે. 14 એપ્રિલ સુધીમાં ગરમી રૌદ્ર સ્વરૂપ બતાવશે. આગામી 20મી તારીખ સુધીમાં ગરમીનો આતંક વધી જશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો ઉકળાટ વધુ રહેશે. એપ્રિલના અંત સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો આંક વધશે. જ્યારે, કેટલાક ભાગોમાં 44 ડિગ્રીથી વધારે ગરમી પડવાની શક્યતા છે.