વાલ્વ બંધ કરવા ગયેલા ગુણવંત સોલંકી અને સંજય માળી સીસીટીવીમાં કેદ થતા ભાંડો ફૂટ્યો
યોગેશ વસાવા કેસમાં સસ્પેન્શન નહીં કરી માત્ર પોલીસ અરજીથી પાલિકાએ સંતોષ માન્યો

વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં છેલ્લા કેટલાક દિવસથી નાગરિકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા હતા. પાલિકા દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે પાણી પુરવઠા વિભાગમાંથી રોડ વિભાગમાં બદલી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા આ હાલાકી માટે જવાબદાર હતા. માહિતી મુજબ, યોગેશ વસાવાએ સુનિયોજિત રીતે ઉત્તર ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીના વાલ્વ બંધ કરાવ્યા હતા. પોતે રોડ વિભાગમાં હોવા છતાં તેણે જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકી અને સુપરવાઇઝર સંજય માળીને વાલ્વ બંધ કરવા આદેશ આપ્યો હતો. બંનેએ જાણતા હોવા છતાં કે યોગેશ વસાવાની ફરજ રોડ વિભાગમાં છે, તેના આદેશનું પાલન કરી સહકાર આપ્યો હતો.
આ મામલે પાલિકા દ્વારા યોગેશ વસાવા, ગુણવંત સોલંકી અને સંજય માળી વિરુદ્ધ ફતેગંજ પોલીસ મથકમાં અરજી આપી કાર્યવાહી માગી છે. યોગેશ વસાવા અગાઉ પણ આવું કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ત્યારે પુરાવા ન હોવાથી તે બચી ગયો હતો. આ વખતે જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકી અને સુપરવાઇઝર સંજય માળીના વાલ્વ બંધ કરવા જતાના સીસીટીવી ફૂટેજ મળતા યોગેશ વસાવાની સંડોવણી સામે આવી ગઈ છે. જો કે, આટલી મોટી બેદરકારી અને નાગરિકોને પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવા છતાં, પાલિકાએ માત્ર પોલીસમાં અરજી કરી સંતોષ માન્યો છે. સસ્પેન્શન જેવી કાર્યવાહી ન થતાં પાલિકાના વલણ પર અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
ફતેગંજ થાણા અમલદાર અજય ગઢવીનો ઉડાઉ જવાબ : ‘આવી ફરિયાદ પોલીસ લેતી નથી’
પાલિકાની પોલીસમાં અરજી મામલે ફતેગંજ પોલીસ મથકના થાણા અમલદાર અજય ગઢવીએ ઉડાઉ જવાબ આપતા કહ્યું, અમારે કોઈ લેવાદેવા નથી. પાલિકા જાણે અને એમના વિભાગ જાણે. એમના કર્મચારીઓ શું કરે એમાં અમારે શું લેવાદેવા. આવી ફરિયાદ પોલીસ લે જ નહીં. વધુમાં તેમને પોતાના વિભાગનું ઉદાહરણ અપાતા કહ્યું, મારી પોલીસ નોકરી ન કરતી હોય તો બીજાને ફરિયાદ કરું કે એમના જોડે કામ કરાવું. પાલિકાની કોઈ ફરિયાદ અમે લીધી નથી.