ટુ-વ્હીલર ચાલકોને ગળાના ભાગે ઈજા, ત્રણેયને સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા, હાલત સુધારા પર
(પ્રતિનિધિ), વડોદરા. તા. 5
શહેર અને જિલ્લામાં ઉત્તરાયણના તહેવારની શરૂઆત થાય તે પહેલાં જ પતંગના જીવલેણ દોરાથી ટુ-વ્હીલર ચાલકોને ઈજા થવાના ત્રણ બનાવો સામે આવ્યા છે. આ ત્રણેય બનાવોમાં યુવાનોને ગળાના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

ન્યૂ વી.આઈ.પી. રોડ પર રહેતા અજય ભોલાભાઈ વાઘેલા (ઉ.વ. ૨૨) રવિવારે સાંજે કિશનવાડી ચોકડી પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પતંગનો દોરો ગળામાં ભરાતાં તેમને ગંભીર ઈજા થઈ હતી.

બીજા બનાવમાં, રાવપુરા જ્યુબિલી બાગ પાસે રહેતા કમલભાઈ મનુભાઈ જીનગર (ઉ.વ. ૫૩) રવિવારે સાંજે જેતલપુર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓ પણ પતંગના દોરાથી ઘાયલ થયા હતા.

ત્રીજો બનાવ નર્મદા જિલ્લાના રાજપીપળાનો છે, જ્યાં રહેતા સુરેશભાઈ પરષોતમભાઈ રાણા (ઉ.વ. ૨૫) રવિવારે બપોરે કેલનપુર પાસેથી ટુ-વ્હીલર પર નીકળ્યા હતા અને તેમના ગળામાં પણ પતંગનો દોરો આવી જતાં ઈજા પહોંચી હતી.
આ ત્રણેય ઈજાગ્રસ્તોને સમયસર સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા.