Vadodara

ઉત્તરાયણમાં વડોદરા વન વિભાગે ૧૩૭ ઘાયલ પક્ષીઓની સારવાર કરી

કરૂણા અભિયાન-૨૦૨૬ : દરેક જીવ પ્રત્યે કરુણા, નવજીવન આપ્યું

દુર્ભાગ્યવશ ૨૩ પક્ષીઓ સારવાર દરમિયાન અથવા સારવાર પૂર્વે મૃત્યુ પામ્યા
****


વડોદરા: વડોદરા જિલ્લામાં કરૂણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત ઉત્તરાયણ પર્વના દિવસે તા. ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ અબોલ પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે વડોદરા વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

ગઈકાલે ઉત્તરાયણ પર્વના દિવસ દરમિયાન દોરી, માનવીય બેદરકારી અને અન્ય કારણોસર ઘાયલ થયેલા કુલ ૧૬૦ અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી સમયસર સારવાર અને સંભાળના પરિણામે ૧૩૭ અબોલ પક્ષીઓને નવજીવન આપવામાં સફળતા મળી, જ્યારે દુર્ભાગ્યવશ ૨૩ પક્ષીઓ સારવાર દરમિયાન અથવા સારવાર પૂર્વે મૃત્યુ પામ્યા હતા.

વડોદરા વનીકરણ વિભાગના અધિકારી કરણસિંહ રાજપૂતે આપેલી વિગતો મુજબ, ઉત્તરાયણના દિવસે કુલ ૧૩૭ કબૂતરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૧૬ કબૂતર બચી ગયા જ્યારે ૨૧ કબૂતરના મૃત્યુ થયા. તદુપરાંત ૭ સમડી (ચીલ) નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, જેમાંથી ૬ ને સફળ સારવાર બાદ નવજીવન મળ્યું અને ૧ સમડીનું મૃત્યુ થયું. ૩ ચામાચીડીયાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, જેમાંથી ૨ ને બચાવવામાં આવ્યા અને ૧ નું મૃત્યુ થયું. તદુપરાંત ૩ પોપટ, ૨ કોંકણસાર, ૧ કોયલ, ૧ કાગડો, ૧ ખિસકોલી, ૧ હોલો, ૧ બગલો અને ૧ શનબર્ગ સહિત અન્ય અબોલ પક્ષીઓનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જેમને યોગ્ય સારવાર-સંભાળ બાદ નવજીવન આપવામાં સફળતા મળી છે.


ઉપરોક્ત તમામ કામગીરી માત્ર તા. ૧૪/૦૧/૨૦૨૬ (ઉત્તરાયણ) ના એક જ દિવસ દરમિયાન કરવામાં આવી હોવાનું નોંધનીય છે. વનીકરણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા સહયોગી સંસ્થાઓ તેમજ સ્વયં સેવકો દ્વારા સતત કામગીરી કરીને અબોલ પક્ષીઓના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.

કરૂણા અભિયાન એ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકારની કરૂણાસભર પહેલ છે. છેલ્લા નવ વર્ષમાં કરૂણા અભિયાન અંર્તગત રાજ્યભરમાં ૧.૧૨ લાખથી વધારે પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગુજરાતે સૌ પ્રથમવાર શરૂ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
*

Most Popular

To Top