બાજવાડાની ખત્રી પોળમાં મૃતકના પરિવારને કલેક્ટર કચેરીની ટીમ દ્વારા જાણકારી અપાઈ :
વહીવટી તંત્ર દ્વારા મૃતદેહ વડોદરા લાવવા તજવીજ હાથ ધરાઈ : ટીહરીના કુંજપુરી મંદિર નજીક બની ઘટના
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
ઉત્તરાખંડમાં થયેલી બસ દુર્ઘટનામાં વડોદરાનાં શ્રદ્ધાળુનું મોત થયું હતું. બસ ખીણમાં ખાબકતા બાજવાડાની ખત્રી પોળમાં રહેતા પાર્થસારથી જોશીનું મૃત્યુ થયું હતું. તેઓ ઉત્તરાખંડમાં શિબિરમાં ભાગ લેવા ગયા હતા. થોડા પહેલાં વડોદરાથી ઉત્તરાખંડ જવાં નીકળ્યાં હતા અને 10 દિવસ બાદ પોતાના ઘરે પરત ફરવાનાં હતાં. તેવામાં આ ઘટના બની હતી. જેના પગલે મૃતક પાર્થ જોશીનાં ઘરે કલેક્ટર કચેરીની ટીમ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના બાજવાડા ખત્રી પોળમાં રહેતા 60 વર્ષીય પાર્થ સારથી મધુસુદન જોશી આ દુઃખદ ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના અંગેની જાણ થતાં તેમની ત્રણે બહેનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. તેમના પરિવારમાં એકમાત્ર ભાઈ સહારો હતો. આજે ત્રણ બહેનોએ એકમાત્ર પોતાનો ભાઈ ખોયો છે. ત્યારે તેઓ પોતાના ભાઈની મોતના દુઃખદ બનાવને માનવા તૈયાર નથી કે તેમનો ભાઈ હવે આ દુનિયામાં નથી.

હાલમાં આ સમગ્ર ઘટના અંગે વડોદરાના વહીવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારમાં જાણ કરવામાં આવી છે. તેઓના મૃતદેહને વતન વડોદરા લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વડોદરા ખાતે લાવવામાં આવશે. મંગળવારે મોડી સાંજે કે બુધવારે પાર્થ સારથી મધુસુદન જોશીનો મૃતદેહ વડોદરા આવવાની શક્યતા છે.

નોંધનીય છે કે,પાર્થ સારથી જોશી 19 નવેમ્બરે વડોદરાથી ટ્રેન મારફતે દેહરાદુન જવા નીકળ્યાં હતાં. 1 ડિસેમ્બરે પાર્થ સારથી જોશી વડોદરા પરત આવવાનાં હતા. વડોદરાથી મથુરા અને મથુરાથી દેહરાદૂન ટ્રેન મારફતે પહોંચ્યા હતા. ઋષિકેશમાં શિબિરમાં ભાગ લેવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી હતી. આ આખી ઘટનામાં 17થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 7 ની હાલત ગંભીર છે. મૃતકોમાં દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. જેમાં વડોદરાના વૃદ્ધનું પણ મોત થયું છે.
મૃતદેહ ત્યાંથી નિકળે પછી આ બાબતે ખબર પડશે

ઉત્તરાખંડમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં વડોદરાના પાર્થસારથી મધુસુદન જોશીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ચાર પાંચ દિવસ પહેલા ગયા હતા અને બીજી તારીખે પરત આવવાના હતાં. તેઓના ઘરે ત્રણ બહેનો છે. તેઓના મૃતદેહ અંગેની વિગતો આપીશું. મૃતદેહ ત્યાંથી નિકળે પછી આ બાબતે ખબર પડશે. : અલ્પેશ જોશી, વડોદરા પૂર્વ મામલતદાર