ઠંડા બર્ફીલા પવનોથી રાત્રે અને વહેલી સવારે લોકો કામ વગર બહાર નિકળવાનું ટાળ્યું
શહેરીજનો તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લેવા મજબૂર બન્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ઉતર ભારતમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમપ્રકોપ જોવા મળી રહ્યો છે જેના કારણે ઉત્તર પૂર્વ દિશાના બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં શીતલહેર જોવા મળી રહી છે.
છેલ્લા એક અઠવાડીયાથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડ,મનાલી વિગેરે સ્થળોએ ભારે હિમપ્રપાત જોવા મળી રહ્યો છે જેના કારણે ઉત્તર પૂર્વીય બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ તાપમાનનો પારો નીચે ગયો છે અને 3.9ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન ગગળ્યુ છે જેના કારણે વડોદરામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 9.2ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે જે આસિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે તરીકે નોધાયો છે. શહેરમાં રાત્રે અને વહેલી સવારે રોડ રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા છે. વહેલી સવારે ચાલતી સ્કૂલોમાં બાળકોની હાજરીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વાલીઓ પોતાના બાળકોને કાતિલ ઠંડીમાં શાળાએ મોકલતા વિચાર કરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ શહેરમાં ઠેકઠેકાણે લોકો તાપણું કરતા નજરે પડી રહ્યા છે. દિવસ દરમિયાન પણ ઠંડા બર્ફીલા પવનોથી લોકો ધૃજી ઉઠ્યા છે.લોકો ચ્હાની રેડીઓ ઉપર જોવા મળી રહ્યાં છે સાથે જ દિવસે અને રાત્રે લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.
શહેરમાં આવેલા સયાજી બાગમાં પણ મૂંગા પશુ પક્ષીઓ ને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ઝૂ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સિંહ વાઘ રીંછ સહિતના પ્રાણીઓના પિંજરા પાસે તાપણાં ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથે સાથે પક્ષીઓ માટે સાંજે સાત વાગ્યા પછી નેટ,કંતાનથી પિજરાને કવર કરી દેવામાં આવે છે.વડોદરા વાલી મંડળો દ્વારા પણ વહેલી સવારની શાળાઓમાં સમયમાં ફેરફાર કરવાની માગ કરી છે જેથી વડોદરા તથા આસપાસના દૂરથી આવતા વિધ્યાર્થીઓ તથા તેમના વાલીઓને વહેલી સવારે કાતિલ ઠંડીમાં પરેશાન થવાનો વારો ન આવે.તે જ રીતે કેટલીક ઓફિસમાં, કંપનીઓમાં પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં કાતિલ ઠંડી તથા બર્ફીલા પવનો ને કારણે રાત્રે તથા વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે જેના કારણે વિઝિબિલિટિ ઘટતાં વાહનો ધીમે ચાલી રહ્યાં છે બીજી તરફ ઉત્તર ભારત તરફની કેટલાક ટ્રેનો પણ મોડી જોવા મળી રહી છે.આગામી ઉતરાયણ વાસી ઉતરાયણ પર્વે પણ ઉતર પૂર્વના પવન રહેશે જેના કારણે પતંગરસિયાઓ ને આ વખતે પતંગને ઠૂમકા નહીં મારવા પડે. શહીરીજનો વહેલી સવારે તથા રાત્રે ચ્હાની કિટલીઓ અથવાતો રેકડીઓ પર ગરમ ચ્હાની ચૂસ્કી લઈ રહ્યા છે. જો કે બર્ફીલા પવનોને કારણે વૃધ્ધો, બાળકો તથા શ્વાસોશ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓને શરદી ખાંસી ન્યૂમોનિયા તથા શ્વાસમાં તકલીફ અનુભવાઇ રહી છે તો બીજી તરફ સવારે મોર્નિંગ વોકર્સ, કસરત અને જીમ કરતા વર્ગના લોકોની સંખ્યા પણ વધી છે.ઠંડીમા પોંક, ઉંધિયુ વિગેરે નું પણ વેચાણ વધ્યું છે.
હજી આગામી એક સપ્તાહ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળશે
ઉતર ભારતના પર્વતીય વિસ્તારો સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જે રીતે ભારે બરફવર્ષા થઇ રહી છે તેના કારણે ઉત્તર પૂર્વના બર્ફીલા ઠંડા પવનોને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આગામી સપ્તાહ દરમિયાન આ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે