વડોદરા મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ-મેકેનિકલ સુવેઝ ડી. વર્ક્સ શાખા દ્વારા ઈન્દ્રપૂરી સુવેઝ પંપીંગ સ્ટેશનનું આગામી ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ કામ માટે સૌથી ઓછો ભાવ ભરનાર ઈજારદાર તરીકે વડોદરાની મે. ઉમિયા એન્જીનિયરીંગ વર્કસ પસંદ થઈ છે. કામની અંદાજીત રકમ રૂ. 42.10 લાખ નક્કી કરવામાં આવી હતી, સામે ઉમિયા એન્જીનિયરીંગ વર્કસે રૂ. 37.85 લાખનો ભાવ રજૂ કર્યો હતો, જે અંદાજ કરતાં 10.09 ટકા ઓછો છે. ઈન્દ્રપૂરી સુવેઝ પંપીંગ સ્ટેશનનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ અગાઉ વર્ષ 2019માં મે. આકાર કન્સ્ટ્રક્શનને પાંચ વર્ષ માટે સોંપાયું હતું. તેની સમયમર્યાદા વધારાની ત્રણ માસની મુદત સાથે 20 નવેમ્બર 2025 સુધી પૂર્ણ થવાની છે. સ્ટેશન વડોદરાના વહીવટી વોર્ડ નં.7 વિસ્તારમાં આવેલુ છે અને અહીંથી મલીનજળનું ઉલેચન કરી રાજીવનગર S.T.P. ખાતે ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. સુવેઝ શાખા પાસે પંપીંગ સ્ટેશનના ઓપરેશન માટે પૂરતો સ્ટાફ ન હોવાથી, સતત કામગીરી જળવાઈ રહે તે માટે ઈજારાથી જ ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરાવવું જરૂરી છે. આ માટે તંત્ર દ્વારા નવા ત્રણ વર્ષના કરાર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઉમિયા એન્જીનિયરીંગ વર્કસને ભાવ ઘટાડો કરવા જણાવ્યા બાદ તેમણે પોતાના 29 સપ્ટેમ્બર, 2025ના પત્ર દ્વારા જણાવ્યું હતું કે તેમણે સ્પર્ધાત્મક ભાવ ભર્યો છે, તેથી ભાવ ઘટાડો શક્ય નથી. ટેન્ડર સ્ક્રુટિની કમિટીએ તેમનો ભાવ વ્યાજબી જણાવી, સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે ભલામણ કરી છે. હાલમાં ઓપરેશન અને મેઈન્ટેનન્સના આવા કામ પર GST લાગુ પડતો નથી, પરંતુ જો ત્રણ વર્ષના કરાર સમયગાળા દરમ્યાન સરકાર દ્વારા GST લાગુ કરવામાં આવે, તો તેનું ચુકવણું ઈજારદારને અલગથી કરવામાં આવશે. સાથે જ મિનિમમ વેજિસ એક્ટ મુજબ વેતનદરોમાં ફેરફાર થાય, તો વધઘટનું ચુકવણું પણ ઈજારદારને આપવામાં આવશે. આ ખર્ચ ઈન્દ્રપૂરી પંપીંગ સ્ટેશનના નિભાવણી માટેના બજેટ હેડ હેઠળની ફાળવણીમાંથી કરવામાં આવશે.