Dahod

ઈન્દોર – મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસનો આરંભ, વડોદરા અને દાહોદના મુસાફરોને સુવિધા મળશે

મુંબઇ-દિલ્હી તેજસ બાદ ઇન્દૌર જવા માટે વધુ એક ટ્રેનની સુવિધા

દાહોદ તા.૨૧

આગામી તહેવારો અને મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પહેલીવાર ઈન્દોર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સેમી હાઈ-સ્પીડ સુપરફાસ્ટ તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવનાર છે.

આ વિશેષ ટ્રેન 23 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી કુલ 34 ફેરા કરશે. આ ટ્રેન નંબર 09085 મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સ્પેશિયલ તા.23 જુલાઈથી 29 ઓગસ્ટ સુધી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે રાત્રે 11.20 વાગ્યે મુંબઈથી ઉપડશે અને સવારે 7.12 વાગ્યે દાહોદ બાદ બપોરે 1 વાગ્યે ઈન્દોર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09086 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ તા.24 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 5 વાગ્યે ઈન્દોરથી રવાના થશે. તે રાત્રે 9.55 વાગ્યે દાહોદ બાદ બીજા દિવસે સવારે 7.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર સ્ટોપેજ લેશે. મુસાફરો આ વિશેષ ટ્રેન માટે 21 જુલાઈથી ટિકિટ બુક કરાવી શકશે. આ ટ્રેન તેની અત્યાધુનિક સુવિધાઓ માટે ખાસ છે. સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, દરેક સીટ પર પર્સનલ લાઇટ, વાઇ-ફાઇ, એલસીડી સ્ક્રીન અને સંપૂર્ણ સીસીટીવી સુરક્ષા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જે મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે. ઉલ્લેખનિય છે કે, સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રયાસોથી થોડા દિવસ પહેલાં દિલ્હી-મુંબઇ તેજસ રાજધાનીને દાહોદમાં સ્ટોપેજ મળ્યુ છે ત્યારે હવે ઇન્દૌર-મુંબઇ તેજસ રાજધાનીનો સ્ટોપેજ પ્રજાને મુસાફરી માટે લાભદાયી નિવડશે.

Most Popular

To Top