યુદ્ધ વકરતા વતન પરત ફરવા અંગે ચિંતા; સોશિયલ મીડિયા પર યુદ્ધના સમાચાર જોઈ યાત્રાળુઓના પરિવારોમાં પણ ફાળ પડી
વડોદરા: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની ગંભીર અસરો હવે ધાર્મિક યાત્રા પર પણ જોવા મળી રહી છે. સાઉદી અરેબિયાના મક્કા અને મદીના ખાતે ઉમરાહની પવિત્ર યાત્રાએ ગયેલા ગુજરાતના અનેક મુસ્લિમ યાત્રાળુઓમાં ફાળ પડી છે. યુદ્ધની વકરતી પરિસ્થિતિ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે યાત્રાળુઓ અને તેમના વતનમાં રહેલા પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા સહિત ગુજરાતના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમરાહ માટે મક્કા ગયા છે. જોકે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાના હસ્તક્ષેપ અને ઈરાન સહિતના પડોશી દેશોની સંડોવણીની આશંકાએ સ્થિતિ વધુ વણસી છે. મક્કા પહોંચેલા વડોદરાના ફારુક સોની યાત્રાળુઓએ જણાવ્યું હતું કે, જો યુદ્ધ લાંબુ ખેંચાય અથવા હવાઈ સેવાઓ પર પ્રતિબંધ મુકાય તો વતન પરત ફરવામાં મુશ્કેલી પડી શકે છે.
યાત્રાળુઓ અત્યારે પવિત્ર સ્થળો પર ઈબાદતમાં મશગૂલ છે, પરંતુ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો દ્વારા મળતા યુદ્ધના સમાચાર તેમને વિચલિત કરી રહ્યા છે. ખાસ કરીને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણોને કારણે ગુજરાતના યાત્રાળુઓ સતત પોતાના પરિવારના સંપર્કમાં રહીને સલામતીની ખાતરી કરી રહ્યા છે.
ગુજરાતમાં રહેલા યાત્રાળુઓના પરિવારોએ પણ સરકાર અને વિદેશ મંત્રાલય તરફ મીટ માંડી છે. જો સ્થિતિ વધુ બગડે તો ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સરકાર તૈયાર રહે તેવી માંગ ઉઠી રહી છે. હાલમાં મક્કા-મદીનામાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ યુદ્ધના ઓછાયા હેઠળ યાત્રાળુઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈઝરાયેલની રણનીતિને કારણે સમગ્ર ખાડી દેશોમાં અનિશ્ચિતતાનો માહોલ છે, જેની સીધી અસર અત્યારે ધાર્મિક પ્રવાસન અને યાત્રાળુઓ પર પડી રહી છે.