વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા ફૂટપાથ પરનાં શેડ–હોલ્ડિંગ સહિત ગેરકાયદેસર દબાણો દૂર, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
વડોદરા:;વડોદરા શહેરના વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા એવા ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીના માર્ગ પર વ્યાપારીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે આજે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મુજબ, દુકાનો આગળ ફૂટપાથ પર બનાવાયેલા ઓટલા શેડ, હોર્ડિંગ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. આ કામગીરી વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્તની હાજરીમાં પૂર્ણ કરી હતી.

કાર્યવાહી દરમિયાન વડોદરા મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર સહિત દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સક્રિય રીતે હાજર રહ્યા હતા.

ધમધમતા ટ્રાફિકવાળા આ વિસ્તારમાં ફૂટપાથ અને માર્ગ પર વેપારીઓ દ્વારા લાંબા સમયથી કરાતા દબાણને કારણે સામાન્ય લોકો સહિત વાહનચાલકો માટે અવરજવરમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થતી હતી. સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો દ્વારા વારંવાર આવું દબાણ દૂર કરવા માટે માંગણી કરવામાં આવી રહી હતી.
મહાનગર પાલિકાની કામગીરીને કારણે દુકાનો સામેનો ફૂટપાથ હવે ખુલ્લો થયો છે, જેના પરિણામે પદયાત્રીઓને તેમજ વાહનચાલકોને રાહત મળી છે. પાલિકા તરફથી જાણવા મળ્યું છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવાં ગેરકાયદેસર દબાણો સામે જરૂરી કાર્યવાહી તબક્કાવાર કરવામાં આવશે.