આ વર્ષે ભદ્રા દોષ ન હોવાથી શનિવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે
બ્રાહ્મણો દ્વારા શ્રાવણ સુદ પૂનમના બળેવ પર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જનોઈ બદલવામાં આવશે

(પ્રતિનિધિ) વડોદરા તા.06
ભાઇ બહેનના પવિત્ર પ્રેમના બંધનના પ્રતિકનો પર્વ એટલે રક્ષાબંધન પર્વ. રક્ષાબંધન પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે બહેનો પોતાના ભાઇઓ માટે રક્ષાસૂત્ર એટલે કે રાખડીઓની ખરીદી કરી રહી છે બીજી તરફ ભાઇઓ પણ પોતાની વહાલસોયી બહેનો માટે વિવિધ પ્રકારની ગિફ્ટ વિગેરેની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષાબંધન પર્વ દરમિયાન ભદ્રા દોષને કારણે રક્ષાબંધન ક્યારે અને કેટલા વાગ્યા સુધીમાં કરવું તેને લઈને લોકોમાં એક અસમંજસ ભરી સ્થિતિ જોવા મળતી આવી છે ત્યારે આ વર્ષે આગામી તા. 09 ઓગસ્ટ,2025 ને શનિવારે શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઇ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન મનાવવામાં આવશે.
નયનભાઇ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર,પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ આપણા હિન્દુ ધર્મોના અનેક નાના મોટા તહેવારો, ધાર્મિક ઉત્સવો શરૂ થઇ જતાં હોય છે ત્યારે આગામી તા. 09-08-2025 ને શનિવારના રોજ શ્રાવણ સુદ પૂનમ ના દિવસે ભદ્રા દોષ ન હોવાને કારણે સવારે 7 કલાક થી બપોરે ક.1:15 સુધીનું રાખડી બાંધવા માટેનું ઉત્તમ મુહૂર્ત છે.આમ તો આખા દિવસ દરમિયાન રાખડી બાંધવામાં આવશે પરંતુ શનિવારે સવારે 7 થી 1:15 સુધી ઉત્તમ મુહૂર્ત છે.આ દિવસે બહેન પોતાના ભાઈના લલાટે કુમકુમ તિલક કરી ચોખા થી વધાવી ભાઇના જમણા કાંડે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધશે સાથે જ બહેન પોતાના ભાઈના નિરોગી દીર્ઘાયુ સુખાકારીની કામના કરશે જ્યારે સામે ભાઇ પોતાની લાડકવાયી બહેનને તેની રક્ષા કરવાનું વચન આપી પોતાની બહેનના આરોગ્ય અને સુખાકારી ની કામના સાથે યથાશક્તિ ઉપહાર ભેટ સ્વરૂપે આપશે. આ રક્ષાબંધન પર્વની પરંપરા ખૂબ જૂની છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. શનિવારે શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં.
આવતા શુક્રવારે વ્રતની પૂનમ છે અને શનિવારે ભદ્રાના ઓછાયા વિના બળેવ (જનેઉ) અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે.સામાન્ય રીતે રક્ષાબંધન પર્વે વિદ્વાન બ્રાહ્મણો અને કર્મકાંડી જ્યોતિષીઓ દ્વારા પંચાંગ મુજબ શુભ તથા અશુભ મુહૂર્ત નિર્ધારિત કરવામાં આવે છે ભદ્રાને લઇને પણ રાખડી બાંધવા માટે મતમતાંતર જોવા મળતા હોય છે આ વર્ષે આવતા શુક્રવારે બપોરે 1:13 થી શ્રાવણ સુદ પૂનમ તિથિ શરુ થશે જે વ્રતની પૂનમ ગણાશે પરંતુ સૂર્યોદય તિથિને ધ્યાનમાં રાખીને શનિવારે બળેવ તથા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ શ્રાવણ સુદ પૂનમ એટલે બ્રાહ્મણો માટે પણ સૌથી મોટો પર્વ ગણાય છે. આ વર્ષે તા.09-08-2025 ને શનિવારે પવિત્ર શ્રાવણ માસના સુદ પૂર્ણિમા નિમિત્તે બળેવ પર્વ છે આ બળેવ પર્વ નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે જનેઉ બદલવામાં આવશે. જૂની જનેઉ ઉતારી નવી જનેઉ ધારણ કરવામાં આવશે.
રાશિ મુજબ કયા જાતકે કેવી રાખડી બાધવી
મેષ (અ.લ.ઇ.) – લાલ અથવા પીળા રંગની રાખડી
વૃષભ (બ.વ.ઉ.) – ગુલાબી રંગની રાખડી
મિથુન (ક.છ.ઘ.) -લીલી અથવા બ્લ્યુ રંગની રાખડી
કર્ક (ડ.હ.) – સફેદ રંગની અથવા પીળા રંગની રાખડી
સિંહ (મ.ટ.) -ગુલાબી રંગની રાખડી
કન્યા (પ.ઠ.ણ.) – લીલા રંગની અથવા બ્લ્યુ રંગની રાખડી
તુલા (ર.ત.) – બ્લ્યુ અથવા દરેક રંગની મલ્ટી કલર રાખડી
વૃશ્ચિક (ન.ય.) – લાલ રંગની રાખડી
ધન (ભ.ફ.ચ.) – કેસરી રંગની રાખડી
મકર (ખ.જ.) -બ્લ્યુ અથવા લીલા રંગની રાખડી
કુંભ (ગ.શ.સ.) – બ્લ્યુ અથવા લીલા રંગની રાખડી
મીન (દ.ચ.ઝ.થ.) – પીળા રંગની રાખડી
નોંધ:આમ જોઇએ તો કોઇપણ રંગની રાખડી કે દોરો શુભ જ ગણાય પરંતુ રૂદ્રાક્ષની રાખડી દરેક માટે અતિશુભ ગણાય.
રાખડી બાંધવા માટે શુભ સમયની યાદી ચોઘડિયા પ્રમાણે
શુભ: સવારે 8:00 થી 9:38
અભિજિત મુહૂર્ત:બપોરે 12:27 થી 1.19
ચલ: બપોરે 12:52 થી 2:29
લાભ: બપોરે 2:29 થી 4:07
અમૃત: સાંજે 4:07 થી 5:44
લાભ: રાત્રે 7:21 થી 8:44
સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ છે.