તાંદલજા વિસ્તારનું તળાવ બ્યુટિફિકેશનથી વંચિત, મચ્છરદાની લઈ સ્થાનિકોનો તળાવ પાસે વિરોધ
તાંદલજા વિસ્તારમાં આવેલી કાંસોમાં અને બિન વરસાદી ઋતુ હોવા છતાં તળાવમાં પાણીનું લેવલ ફુલ થઈ રહ્યું છે. કેમકે સમગ્ર કાંસમાં અને તળાવમાં ડ્રેનેજના પાણીનુ જોડાણ હોવાથી ડ્રેનેજનું પાણી આવવાથી ગંદકીનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. બીમારીઓ પણ ફેલાઈ રહી છે. વર્ષોથી તાંદલજા ગામ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આપ્યું નથી. જેથી બુધવારના રોજ વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમ શેખ અને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ મલિક ની આગેવાનીમાં અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ પ્રદર્શન કરી તાંદલજા તળાવનું બ્યુટીફિકેશન કરવાની અને જ લાઈન ના વરસાદી કાસમાં જોડવામાં આવેલા કનેક્શનને બંધ કરી ગંદકી દૂર કરવાની માગણી કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓની માગણી છે કે કાસની સાફ-સફાઈ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવે.

બુધવારે તાંદલજા વિસ્તારના સ્થાનિકો અને આગેવાનોએ મચ્છરદાની ઓઢીને વડોદરા મહાનગર પાલિકા વિરોધમાં સૂત્ર ઉચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તાંદલજા વિસ્તારના આ તળાવમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવે છે. તેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે પરંતુ, હાલ તાંદલજામાં તો વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાથી લોકોને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે.
કોંગી આગેવાન અસ્ફાક મલેકે જણાવ્યું કે, તાંદલજા ગામના તળાવમાં વીતેલા દસ વર્ષોથી ગટરના કનેક્શનો છે. જેથી, ગટરના પાણી તેમાં જાય છે અને વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનું સામ્રાજ્ય ફેલાયું છે. તે બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, કોઇ સાંભળતું નથી. તાંદલજા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી. અમારી માંગ છે કે, તળાવની ગંદકી દૂર કરવામાં આવે, મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવામાં આવે તથા તળાવમાં ગટરના પાણી ઠાલવતા અટકાવવામાં આવે એવી અમારી માંગ છે. અમારા વિસ્તારને અવિકસિત રાખવામાં આવ્યો છે.