વડોદરા પાલિકાના હંગામી અધિકારીઓ માલામાલ
પાલિકાના અધિકારીઓની આવક કરતા વધુ સંપત્તિની તપાસ ક્યારે?
વડોદરા મહાનગરપાલિકામાં એક અધિકારી તેના કારનામાઓને કારણે આજકાલ ચર્ચામાં છે. આ અધિકારીએ બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર તરીકે રજા ચિઠ્ઠીના નામે લાખોમાં ધન કમાયું અને લક્ઝરીયસ ફ્લેટો ખરીદ્યા તો હવે પ્રમોશન સાથે કરોડોના પ્રોજેક્ટ એવા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મૂકયો તો ત્યાં મહાનગરપાલિકાના ગૌરવને છાજે નહીં તેવી કામગીરી કરવા માંડી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પૂર્વ હંગામી અધિકારી સાધી ગામના રહેવાસી બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરને મુકતા હવે તેણે પોતાના ગામની આસપાસની જગ્યાઓ ખરીદી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
માંજલપુર વિધાનસભા વિસ્તારમાં હંગામી બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર તરીકે મહાનગરપાલિકાનું ગૌરવ હણાય તેવા ખોટા કામોને મંજૂરી આપી અને નવી બનતી તમામ સાઇટને રજા ચિઠ્ઠીમાં વાંધા વચકા કાઢી ખૂબ મોટી રકમ વસૂલી. ત્યાર બાદ શહેરના વિકસિત થઈ રહેલા એવા ભાયલી અટલાદરા એટલે કે વોર્ડ છમાં બદલી કરાવવા માટે ઉચ્ચ અધિકારીને ખૂબ મોટી રકમ ભેટ આપી તેવું પાલિકાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો હોય ત્યાં અનેક મોટી સ્કીમો અને મોલો બની રહ્યા છે, ત્યાં પોતાની બદલી કરાવી એ વિસ્તારના બિલ્ડરો દ્વારા ખૂબ મોટી રકમ વસૂલવા માટે હંગામી ધોરણે કામ કરતા પાલિકાના ગૌરવને ઓછું કરતા બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરે અધિકારીને ખૂબ મોટી ભેટ આપતા જાણે બોનસ મળ્યું હોય તેમ ઉચ્ચ અધિકારીએ તેને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સામેલ કર્યો છે.
માંજલપુર વિસ્તારમાં અનેક સાઇટ ઉપર રજા ચિઠ્ઠીને લઈ ઘણી ફરિયાદો આવી હતી. પરંતુ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી બેસી રહ્યા હતા અને હંગામી અધિકારી પર કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા .
સૂત્રોના જણાવ્યા અનુસાર હંગામી અધિકારીને બગાસું ખાતા પતાસું આવી ગયું હોય તેમ દેખાઈ આવે છે.
આવક કરતા વધારે સંપત્તિ ધરાવતા આ હંગામી બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર પર કોણ મહેરબાન છે અને કયા ઉચ્ચ અધિકારીના કે નેતાના આશીર્વાદથી પોતાની મનમાની કરી રહ્યા છે તે તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એમ છે. આવનારા સમયમાં તેના વધુ કૌભાંડોને ઉજાગર કરવામાં આવશે.
