Vadodara

આ છે વડોદરાનો વિકાસ….શહેરમાં ઘણાં વિસ્તારોમાં રોડ રસ્તાઓ પરના ડ્રેનેજના તૂટેલા ઢાંકણા બદલવાનો પાલિકા પાસે સમય જ નથી

ચોમાસાને દોઢેક મહિનો જ બાકી છતાં તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના ઠેકાણાં નથી! શહેરમાં જોખમી તૂટેલા ડ્રેનેજના ઢાંકણાં ક્યારે બદલાશે?

.ચોમાસામાં રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાય ત્યારે આ જોખમી ઢાંકણાઓ થી લોકોની જિંદગી જોખમાઇ શકે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 04

ચોમાસાના આગમનને હવે દોઢેક મહિનાનો જ સમય બાકી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા પ્રિમોન્સૂનની કામગીરીમાં ઉદાસીન જણાય છે. શહેરના અનેક વિસ્તારોમાં જોખમી તૂટેલા ડ્રેનેજના ઢાંકણાં ઠેરઠેર જોવા મળી રહ્યાં છે જે નાગરિકોના જીવને જોખમમાં મૂકી શકે છે પરંતુ પાલિકા તંત્ર એટલું આળસુ બની ગયું છે કે તેને અને સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલરોને પણ પોતાના વિસ્તારમાં આ તૂટેલા ડ્રેનેજના જોખમી ઢાંકણાં નથી દેખાતા.

હવામાન વિભાગ દ્વારા તા.04 થી 08 મે દરમિયાન મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દોઢેક મહિના પછી ચોમાસાનું વિધિવત આગમન થશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હજી સુધી પ્રિમોન્સૂન અંતર્ગતની કામગીરી યોગ્ય રીતે શરૂ કરવામાં આવી નથી. શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગતવર્ષની જેમ આ વર્ષે શહેરમાં પૂરની પરિસ્થિતિ ન ઉદભવે અને પાલિકા તથા રાજકીય નેતાઓના માથે માછલાં ન ધોવાય તે માટે પ્રિમોન્સૂનની આગોતરા કામગીરી માટે હાલમાં પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ સમગ્ર ધ્યાન સાથે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ જ્યારે હવામાન વિભાગ દ્વારા તા.04 થી 08 મે દરમિયાન ગાજવીજ અને કલાકદીઠ 40 થી 60 પ્રતિ કિલોમીટર ની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી કરી છે ત્યારે શહેરમાં તોતિંગ વૃક્ષોની છટણી,હોર્ડિગ્સ ઊતારવાની કામગીરી કરવામાં આવી નથી, કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ બાદ તેના યોગ્ય પૂરાણની કામગીરી કરવામાં નથી આવી, જર્જરિત ઇમારતો માટે નક્કર કામગીરી નથી કરવામાં આવી સાથે જ શહેરમાં અનેક વિસ્તારોમાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાઓ જોવા મળી રહ્યાં છે કે જ્યાંથી અનેક વાહનો, રાહદારીઓ પસાર થાય છે ત્યારે જો વરસાદી પાણી ભરાય અને રાત્રે પવનના કારણે કે તોફાન વાવાઝોડા દરમ્યાન વીજળી ગુલ થઇ જાય ત્યારે અંધકારમાં આ જોખમી ડ્રેનેજના ઢાંકણાં કે ખાડામાં વાહન પટકાય અથવાતો ચાલતા વ્યકિ્તિનો પગ પડે તો તેની જિંદગી જોખમમાં મૂકાય અથવાતો તો કાયમી ખોડખાંપણ નો ભોગ બની શકે છે પરંતુ પાલિકા તંત્ર કે પછી ચૂંટાયેલા સ્થાનિક નગરસેવકોને જનતાની સુરક્ષા, સુખાકારી માટે જાણે કંઈ પડી નથી તેઓને ફક્ત કોન્ટ્રાકટર સાથે જે કામોમાં પોતાના આર્થિક લાભ દેખાતા હોય ફક્ત તેવા કામોમાં જ રસ હોય છે જેના માટે તેઓ સંકલન,સ્થાઇ સમિતિમાં કે પછી સામાન્ય સભામાં પોતાનું જોર લગાવી દેતા હોય છે રજૂઆત કરી અને કામો મંજૂર કરાવી દેતા હોય છે પરંતુ જનતાની સુરક્ષાના મુદ્દે તેઓ જરા પણ ગંભીર કે ચિંતિત નથી. શહેરમાં છેલ્લા ઘણાં સમયથી અનેક વિસ્તારોમાં જર્જરિત ડ્રેનેજના તૂટેલા ઢાંકણા છે જેને બદલવામાં નથી આવ્યા તે જ રીતે શહેરમાં ખોદકામ કરી તેનું કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય રીતે પૂરાણ કરવામાં નથી આવ્યા જે ચોમાસામાં જોખમી બની શકે છે.તેમ છતાં સ્થાનિક ધારાસ્ભયો,કાઉન્સિલરો બેધ્યાન બની ચૂપ છે પણ સાથે સાથે વિપક્ષ પણ મૌન છે જાણે ‘તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ’ જે સરવાળે વેરો ભરતી જનતાને જ ભોગવવાનો વારો આવે છે. શહેરમાં કોઇ મોટા રાજકીય નેતાઓ, મંત્રીઓ આવવાના હોય ત્યારે રાતોરાત રોડ રસ્તાઓ સહિત શણગાર કરી નવા વાઘા પહેરાવી નેતાઓને ઉંધા ચશ્મા પહેરાવતુ પાલિકા તંત્ર જનતાની સુરક્ષા, સુવિધા અને સુખાકારી માટે જરા પણ ચિંતિત ન હોય તેમ જણાય છે અને વાતો વડોદરાના વિકાસની કરવામાં આવે છે.

Most Popular

To Top