Vadodara

આ છે આજે બપોરે યુનાઈટેડ વેના મેદાનની દશા, ગરબામાં જવું હોય તો કાદવમાં પગ ગંદા કરવાની તૈયારી રાખજો

ગરબા મેદાનના પ્રવેશદ્વાર પાસે જ ભયંકર કાદવ, પાર્કિગમાં પણ વાહનો કાદવમાં ખૂંપી જવાનો ભય



વડોદરાના સૌથી મોટા કોમર્શિયલ ગરબા આયોજક યુનાઈટેડ વેના સંચાલકો મેદાન તૈયાર હોવાના ગમે તે દાવા કરતા હોય પરંતુ ગુજરાતમિત્રની ટીમે આજે બપોરે આ ગરબાના મેદાનની મુલાકાત લેતા વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી હતી. આયોજકો ભારે મથામણ કરી રહ્યા હોવા છતાં અહી ચારેકોર કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. મેદાનના પ્રવેશદ્વાર આગળ જ પગ ખૂંપી જાય એવા કાદવના થર જામ્યા છે. તેથી ગરબા તો બાજુ પર રહ્યા, આ કાદવ વાળા પગે ગરબા કેમ કરવા એ સવાલ થશે. એન્ટ્રી પોઇન્ટ પર કાળી માટી નાખીને કાદવ દબાવવાનો પ્રયાસ થયો છે, પણ એના પર ચાલો તો જાણે સ્પંજ ઉપર ચાલતા હોય એવો અનુભવ થાય છે.



મેદાનના રસ્તા સુધારવાની કામગીરી બપોરે ચાલી રહી હતી. ફૂડ કાઉન્ટર પાસે ભારે કાદવ હતો. શૌચાલય પાસેનો કાદવ આજે તો દૂર થાય એમ લાગતું નથી. પાર્કિંગ માં પણ જમીન પાણીવાળી હોવાથી વાહન ના પૈડાં ખૂંપી જશે એ નક્કી છે. વળી પાર્કિંગ થી કાદવ માં મેદાન સુધી જવા માટે ભારે મથામણ કરવી પડશે.



આજે કોઈ સંજોગોમાં ખેલૈયા ગરબાની મજા માણી શકે એવો માહોલ નથી. જો વરસાદનું એકાદ ઝાપટું પણ પડ્યું તો હજુ સ્થિતિ ખરાબ થવાની પૂરી સંભાવના છે. તેથી મોંઘાદાટ પાસ લઈને બેઠેલા લોકો આજે નિરાશ થશે એ નક્કી છે.

Most Popular

To Top