Vadodara

આ કારણસર સમા સિટી સર્વે કચેરીનો સ્ટાફ 22 દિવસ કામ કર્યા વગર બેસી રહ્યો…

સિટી સર્વેની કચેરીમાં ત્રણ સપ્તાહ કામગીરી ઠપ્પ રહી
થમ્બ ડીવાઈસમા ટેકનીકલ ખામી સર્જાઈ હતી.
22 દિવસ કચેરીનો સ્ટાફ બેસી રહ્યો, અરજીઓના ઢગલે ઢગલા થયા
વડોદરા: સમા ખાતે આવેલી સિટી સર્વે કચેરીમાં 22 દિવસથી કોઈ જ કામગીરી ના થતા જવાબદાર અધિકારીઓ મૌન સેવીને બેસી રહ્યા છે. થમ્બ ડીવાઈસમા ટેકનીકલ તકલીફ સર્જાઈ હતી. તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી એવું સાંભળવા મળ્યું હતું.
આજના આધુનિક ડિજિટલ યુગમાં સરકારી તંત્રની રેઢિયાળ કામગીરીના કારણે નાગરિકો કઇ હદે હેરાન પરેશાન થાય છે તેની લેશમાત્ર દરકાર તંત્રને નથી. સિટી સર્વે કચેરીના છબરડા કઈ નવી વાત નથી. આવી જ વધુ એક સમસ્યા 1 તારીખે સિટી સર્વે કચેરીમાં થતા તમામ કોમ્પ્યુટર ઠપ્પ થઇ ગયા હતા mantra MFS 110 L 1 ડીવાઈસમા ટેકનીકલ ખામી સર્જાતા મેન્ટેનન્સ સર્વેયરો સહિતના કોમ્પ્યુટરોમાં થમ્બ ઈમ્પ્રેશન કામ કરતી સદંતર બંધ થઈ ગઈ હતી. કોમ્પ્યુટર ચાલુ જ ના થાય તો સ્ટાફ શુ કામગીરી કરે તે બાબતે એક પખવાડિયા સુધી અધિકારીઓએ ધ્યાન જ ના આપ્યું. રાબેતા મુજબ આવતો સ્ટાફ પંખાની હવા ખાઈને સમયસર રવાના થઇ જતો હતો.
બીજી તરફ અરજદારો ધરમ ધક્કા ખાઈને નીકળતા હતા. કેટલીક વાર ધક્કો ખાઈને રોષે ભરાયેલા અરજદારો નિર્દોષ સ્ટાફને ધમકાવતા હતા કે બહાર બોર્ડ તો મારો કે કોમ્પ્યુટર બંધ છે. એક તરફ પ્રોપર્ટી કાર્ડ પર નામ ચડાવવા અરજીના ઢગલે ઢગલા થઈ ગયા છે. ટેકનિકલ ખામીના કારણે કામનો નિકાલ સ્ટાફ કઈ રીતે કરે? આખરે ત્રણ સપ્તાહ બાદ ડીવાઈસ કાર્યરત થતા કામગીરીનો પ્રારંભ થયો હતો. સાથે સાથે અરજદારોની ધસારો પણ અનહદ વધી જતા કચેરીમાં વ્યાપક ચહલ પહલ જોવા મળી રહી હતી

ત્રણ સપ્તાહથી આવેલી અરજીઓ નો નિકાલ ક્યારે થશે?
તમામ મેન્ટેનન્સ સર્વેયરો કામનું ભારણ જોઈને વિસામણ મા મુકાઈ ગયા છે કે અરજીઓની નોટિસ ક્યારે કાઢી શકીશું? અરજદારો ઉગ્ર સ્વરે પુછી રહ્યા છે કે શું થયું અરજીનું? નોટિસો ક્યારે મળશે? સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે આવતા 20થી 25 દિવસ સુધી મેન્ટેનન્સ સર્વેયરો બાર બાર કલાક કામ કરશે તો જ કામના ભારણનો નિકાલ કરી શકશે.

સર્વેયરોએ ડીવાઈસ સ્વખર્ચે કાર્યરત કરાવી છે?
બે સપ્તાહ સુધી કામગીરી બંધ રહેતા સ્ટાફ બેબાકળો થઈ ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ સુધી ઠપ્પ કામગીરીની રજૂઆતો અનેક વખત થઈ હોવાનું સાંભળવા મળ્યું હતું. ડિવાઇસ ચાલુ કરાવવા ઉચ્ચસ્તરીથી કોઈ જ પ્રયાસ હાથ ધરાયા નહીં. અંદર ખાને એવું જાણવા મળ્યું કે ઉચ્ચ અધિકારીએ મૌખિક સૂચના આપી કે પોતપોતાના ખર્ચે ડિવાઇસ ચાલુ કરાવીને કામગીરી હાથ ધરવી. આશરે 3500 રૂપિયા સર્વેયરો એ પોતાના ખિસ્સામાંથી કાઢીને થંબ ડિવાઇસ ચાલુ કરાવી છે. સ્ટેશનરીનો ખર્ચ તો સ્ટાફ ભોગવતો જ હતો હવે આવા ખર્ચા પણ ભોગવવાનો વારો આવ્યો તેવું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.

Most Popular

To Top