Vadodara

આશિષ જોષીનો કેયુર રોકડિયાને ટકોરો : સભા તમારા ઈશારે જ ચાલે છે

વડોદરા મહાનગરપાલિકાની દિવાળી બાદની પહેલી સામાન્ય સભા આજે મળી હતી. શરૂઆતમાં શોક દર્શક ઠરાવ બાદ સભા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી. જોકે મેયર પિન્કી સોની આજે સભામાં ગેરહાજર રહ્યા હતા. સામાન્ય સભાની શરૂઆતમાં જ કાઉન્સિલર કેયુર રોકડિયાએ બોલવાનું શરૂ કરતા જ કાઉન્સિલર આશિષ જોષીએ કહ્યું, તમે ઈશારો કરો સભા બંધ કરાવી દેશો. સભા તમારા ઈશારે ચાલે છે. આ સભામાં અમને બોલવા દો. તમે તો વિધાનસભામાં બોલો જ છો. અહીં સભા ચાલવા નથી દેવી એટલે બીજો મુદ્દો લાવો છો. અહીં શહેરમાં પાણી નથી મળતું, ભૂવા પડે છે અને અહીં વોટ ચોરીની વાતો કરો છો. હરણી બોટકાંડમાં શિક્ષકો માટી ગયા એમની માફી માંગો પહેલા. સભાની શરૂઆતમાં જ ભાજપના કાઉન્સિલર કેયુર રોકડિયાએ ગત સભામાં વિપક્ષ દ્વારા કરાયેલા વિરોધ અને આક્ષેપોને લઈને ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, ગત સભામાં વિપક્ષના સભ્યો વેલમાં આવીને બોલ્યા અને “વોટ ચોર” જેવા શબ્દો વાપર્યા. આ શબ્દો અયોગ્ય અને શરમજનક છે. ચૂંટણી પ્રક્રિયામાં કામ કરતા આપણા કર્મચારીઓને ચોર કહેવું ગંભીર બાબત છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ વર્ષ 1951માં 489 બેઠકો પર ચૂંટણી યોજી હતી, જેમાં કોંગ્રેસ સત્તામાં આવી હતી. આજે જ્યારે એમની સરકાર નથી, ત્યારે વોટ ચોરીના આક્ષેપો લગાવાય છે. વર્ષ 1952માં મૌલાના આઝાદને જીતાડવા માટે નેહરુએ કલેક્ટરને કહી વોટ ચોરી કરાવી હતી, એવો આક્ષેપ પણ ભાજપના કાઉન્સિલરે કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે કોંગ્રેસના સભ્યો જાહેરમાં નતમસ્તક થઈ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મીઓની માફી માંગે.

આ બાદ કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જહાં ભરવાડે પ્રતિક્રિયા આપી હતી. જહાં ભરવાડે કહ્યું કે, “1951ની વાત છોડો, આજની વાત કરો. એ વખતે અહીં કોઈ હતું નહીં. અમે જે વોટ ચોરીનું કહ્યું છે એ સાચું જ છે.” સામાન્ય સભા દરમિયાન વડોદરા ગેસ મુદ્દો પણ ઉઠ્યો હતો. જે મામલે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે વડોદરામાં પહેલાં ગેસલાઇન નફો કરતું એકમ હતું, છતાં તેને અન્ય સંસ્થાને સોંપી દેવાયું. અનેક વાર હિસાબો માંગ્યા છતાં રજૂ થયા નથી. ફક્ત કાગળ પર નફો બતાવવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top