Vadodara

આવનાર દિવાળીમાં પણ વરસાદના કારણે ફટાકડાના વેપારીઓને ચિંતા…

દિવાળી-નવા વર્ષના તહેવારોને એક મહિનાથી પણ ઓછો સમય છે ત્યારે ફટાકડાના વેચાણ અંગે હંગામી ધોરણે ટોલની જગ્યા ફાળવવા માટે જાહેર હરાજી કરાશે. ચોમાસાની ઋતુ દરમિયાન વડોદરામાં માનવસર્જિત પૂર બે વખત આવી ગયું છે. આ બંને પૂરથી સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને શહેરીજનો ચાર-પાંચ દિવસ સુધી પૂરના પાણી અને ત્યારબાદ કાદવ કિચડથી હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસ અગાઉ પણ ભારે વરસાદી ઝાપટું આવી ગયું હતું. ત્યારબાદ ગઈ રાત્રે પણ 110 કિ.મી. ની ઝડપ સાથે તોફાની વાવાઝોડા સહિત બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ રાત્રે ખાબક્યો હતો. આ સાથે નવરાત્રીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વડોદરા માટે સેવાઈ રહી છે ત્યારે ફટાકડાના વેપારીઓ ધંધો કરવો કે કેમ એ અંગે દ્વિધામાં છે. વેચાણ દરમિયાન એક પણ વખત જો વરસાદ પડે અને ફટાકડાને હવા લાગી જાય તો સમગ્ર માલ પાણીના ભાવે વેચવો પડે તેવી સ્થિતિ સર્જાય જાય છે અને ગ્રાહકો પણ વરસાદથી ફટાકડા ફૂટવા લાયક રહેતા નથી એવું સમજે છે. પરિણામે વેપારીઓ ફટાકડાના વેપાર અંગે પાલિકાના પ્લોટ માટે હરાજીમાં ભાગ લેવો કે કેમ એ અંગે ભારે વિમાસણમાં પડ્યા છે. એક તરફ હજી વરસાદની આગાહી અને બીજી તરફ પાલિકાની ડિપોઝિટ ઉપરાંત ફટાકડાનો માલ મંગાવવો કે કેમ એ અંગે ઘનિષ્ઠ વિચાર કરી રહ્યા છે.

Most Popular

To Top