Vadodara

આવતી કાલે વિઠ્ઠલનાથજીનો વરઘોડો અને તાજીયા એક સાથે, વડોદરામાં ચાંપતો બંદોબસ્ત

*આજે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે*

*મંગળા આરતી વહેલી સવારે 3 કલાકે, શણગાર આરતી 6:00 કલાકે કરવામાં આવશે જ્યારે રાજભોગ આરતી સવારે 7:00વાગે રહેશે.સવારે 07:00 થી 8:30 ચરણસ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવશે ત્યારબાદ સવારે 9 વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરાવવામાં આવશે*

*દેવપોઢી અગિયારસના દિવસે મોહરમ તાજીયાનું પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવશે*

(પ્રતિનિધિ) વડોદરા તા. 16

શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આજરોજ વિક્રમ સંવત 2080 અષાઢ સુદ અગિયારસના શુભ દિવસે એટલે કે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે.
વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા સવારે ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ વરઘોડો પ્રસ્થાન કરાવવામાં આવશે આ વખતે સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે જેમાં ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ ભાવિક ભક્તોને દર્શન આપશે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવશે. સોના ચાંદીનો રથ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યો છે અને દેવપોઢી એકાદશી નિમિત્તે નિકળનાર આ વરઘોડાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મંદિર પ્રશાસન દ્વારા થનારી આરતીનો સમય જાહેર કરવામાં આવ્યો છે જેમાં મંગળા આરતી વહેલી સવારે 3 વાગ્યે રહેશે, ત્યારબાદ શણગાર આરતી 6:00 કલાકે કરવામાં આવશે જ્યારે રાજભોગ આરતી સવારે સાત વાગે રહેશે.સવારે 07:00 થી 8:30 ચરણસ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવશે ત્યારબાદ સવારે 9 વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરાવવામાં આવશે અને 12:30 વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં હરીહર સાથે ભેટ થશે અને ત્યાંથી દોઢ વાગે વરઘોડો પરત નીકળી સાંજે 3:00 વાગે નિજ મંદિર પરત ફરસે, વરઘોડા દરમિયાન મંદિરના દર્શન ખુલ્લા રહેશે રાત્રે 8:00 વાગે શયન આરતી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,
દેવપોઢી અગિયારસના દિવસે મોહરમ તાજીયાનું પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવશે. પોલીસ પ્રશાસનના અનુરોધને માન આપી રથનો સમય વહેલા કરવામાં આવ્યો છે જેથી પોલીસ યોગ્ય સુરક્ષા સાથે રતને પ્રસ્થાન કરાવી શકશે.

Most Popular

To Top