Vadodara

આવતીકાલથી શહેરમાં ધામધૂમથી બિરાજશે ગજાનન….

ગણેશોત્સવ ઉજવણી માટે શહેરીજનોમાં થનગાટ, બજારોમાં, કલાભવન ખાતે લોકોની ભારે ભીડ

આવતી કાલે ગણેશ ચતુર્થીએ શુભ મૂહુર્તમા શ્રીજીની ભક્તિભાવ સાથે સ્થાપના કરાશે…

મુંબઇ, પૂણે બાદ જો બીજા નંબરે સૌથી મોટી સંખ્યામાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય તો તે ગુજરાતના કલાનગરી વડોદરા શહેરમાં. અહીં ગણેશોત્સવ ઉજવણીની તૈયારીઓ લગભગ છ મહિના પહેલાથી શરૂ થઇ જતી હોય છે. ગણેશમંડળો દ્વારા વિવિધ થીમ આધારિત ગણેશજીના પંડાળો તેમાં સ્થાપવાની પ્રતિમાઓ તેમજ ડેકોરેશન સહિતની તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે અહીં મૂર્તિકારોને છ મહિના પહેલાં જ મૂર્તિઓના ઓર્ડર આપી દેવામાં આવે છે ઘણાં લોકો મુંબઇ થી ખાસ શ્રીજીની પ્રતિમાઓ ઓર્ડર આપી બનવડાવે છે.
કાલે વિક્રમ સંવત 2080 ને ભાદરવા સુદ ચોથ, શનિવારથી દૂંદાળા દેવ, વિધ્નહર્તા દસ દિવસનું આતિથ્ય માણવા પધારશે ત્યારે કાલે શહેરમાં મોટા મોટા પંડાળોમા લોકો પોતાના ઘરોમાં શ્રીજીની સ્થાપના કરશે.
શહેરમાં પૂરની તારાજી વચ્ચે પણ ભક્તોમાં ગણેશોત્સવની ઉજવણીનો થનગનાટ યથાવત

વડોદરા શહેર એ સયાજીનગરી સાથે કલાનગરી, સંસ્કારી નગરી તરીકે પોતાની આગવી ઓળખ માટે જાણીતું છે. તાજેતરમાં જ શહેરમાં કુદરતી તથા માનવસર્જિત પૂરની આપદા આવી હતી લોકોને ઘણું નુકસાન થયું છે હજી પણ ઘણાં વિસ્તારો શહેરમાં એવા છે જ્યાં પૂરના પાણી ઓસર્યા નથી આ પૂરે એટલો વિનાસ વેર્યો છે શહેરમાં કે લોકોને કરોડોનું નુકસાન થયું છે જેમાં લોકોને ફરીથી બેઠાં થતાં લગભગ પાંચ થી દસ વર્ષ જશે પરંતુ સંસ્કારી નગરીના લોકો આટ આટલી આપદા અને નુકસાન વચ્ચે પણ ધર્મ પ્રત્યે, શ્રીજીના ઉત્સવને ધામધુમથી, ભક્તિભાવ સાથે મનાવવા ઉત્સાહિત દેખાઇ રહ્યાં છે અને આ જ ખાસિયતને લીધે વડોદરાવાસીઓ જાણીતા છે. લોકો વિધ્નહર્તાના આગમન અને સ્થાપના માટે સજ્જ છે. ઠેરઠેર ગણેશ મંડળો દ્વારા પંડાળો તૈયાર કરી દેવામાં આવ્યા છે સાથે સાથે શહેરમાં શ્રીજીના અલગ અલગ વિસ્તારોમાં ધામધૂમથી આગમનયાત્રા યોજવામાં આવી હતી મોડી રાત સુધી શ્રીજીના આગમનમાં,શ્રીજીને આવકારવા શહેરીજનો રોડરસ્તાઓ પર ઉમટી પડ્યાં હતાં.

શહેરના કલાભવન તથા બજારોમાં શ્રીજીની પ્રતિમાઓ, ડેકોરેશન, પૂજનસામગ્રી ખરીદવા શ્રધ્ધાળુઓની ભારે ભીડ

શહેરમાં શ્રીજીની સ્થાપના માટે આજરોજ શહેરના કલાભવન મેદાન ખાતે શ્રીજીની પ્રતિમાઓની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી લોકો અહીં દોઢ ફૂટથી માંડીને છ ફૂટ સુધીના ઇકોફ્રેન્ડલી માટીમાંથી તૈયાર થયેલી શ્રીજીની પ્રતિમાઓ ખરીદી કરતાં નજરે પડ્યા હતા સાથે સાથે કલાભવન સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ શ્રીજીની સ્થાપના માટે આર્ટિફિશિયલ ફ્લાવર સહિતના અવનવા ફેન્સી ડેકોરેશન ખરીદવા ઉમટ્યા હતા. બીજી તરફ શહેરના માંડવી સહિતના વિસ્તારોમાં શ્રીજીની સ્થાપના માટે પૂજાપો, શ્રીફળ, શ્રીજીની સ્થાપન માટેના કાપડ, અંગરખુ ખેસ, તથા સિરીઝો ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી..

Most Popular

To Top