Vadodara

આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીનો કાળો પ્રવાહ: રહીશોનો આક્રોશ

ત્રિમૂર્તિ બંગ્લોઝ સહિતના વિસ્તારોમાં જીવાતવાળા દુર્ગંધયુક્ત પાણીથી નાગરિકો ત્રસ્ત

તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રતિકાત્મક વિરોધ, વહેલી તકે ઉકેલ ન મળે તો ચુંટણી બહિષ્કારની ધમકી

વડોદરા: વડોદરા શહેરના આર.વી.દેસાઈ રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી નળોમાંથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતાં રહીશો ત્રસ્ત થઈ ગયા છે. વોર્ડ નં.13ના ગોયાગેટ સોસાયટી, નવકાર ડુપ્લેક્સ, ત્રિમૂર્તિ બંગ્લોઝ, શક્તિ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં પાણીમાં જીવાતો અને અશુધ્ધિ જોવા મળતાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ત્રિમૂર્તિ બંગ્લોઝના રહીશો આજે દૂષિત પાણી ભરેલી ડોલ લઈને પ્રતિકાત્મક વિરોધ નોંધાવતા દેખાયા હતા. આ વિરોધ કાર્યક્રમમાં વિપક્ષ કાઉન્સિલર બાળુ સુર્વે પણ હાજર રહ્યા હતા.

રહીશોએ જણાવ્યું કે કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી. સમયસર મિલ્કત વેરો ચૂકવ્યા છતાં દૂષિત પાણી આવતાં ઘરની ટાંકી સાફ કરાવવા અને પીવાનું પાણી ખરીદવા વધારાનો ખર્ચ કરવો પડે છે.

વિપક્ષના કાઉન્સિલર બાળુ સુર્વે રહીશોની ફરિયાદોને વાજબી ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ લાલબાગ પંપિંગ સ્ટેશનમાં આશરે 22 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી અને પંપ યોગ્ય રીતે કાર્ય ન કરતાં ડ્રેનેજનું પાણી સપ્લાય લાઇનમાં મિક્સ થતું હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત, આ વિસ્તારમાં આડેધડ ખોદકામને કારણે પણ પાણી પુરવઠાની લાઇનોને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલની પરિસ્થિતિએ રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું કર્યું છે. બાળકો અને વડીલોમાં પેટનાં રોગો પ્રસરી જવાની ભીતિ છે. નાગરિકોનો આક્ષેપ છે કે નાગરિક સ્વચ્છતા અને સેવાઓ માટેની જવાબદારી નિભાવવામાં કોર્પોરેશન નિષ્ફળ સાબિત થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા માગ સાથે રહીશોએ ચેતવણી આપી કે જો વહેલી તકે પાણીની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીનો બહિષ્કાર કરશે.

Most Popular

To Top