વડોદરા જિલ્લાના 455 કર્મીઓ હડતાળ પર ઊતરતાં આરોગ્યલક્ષી સેવાઓ પર સીધી અસર
(પ્રતિનિધિ) વડોદરા તા. 17
સમગ્ર રાજ્યમાં સોમવારથી આરોગ્ય વિભાગના પંચાયત હસ્તકના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જેમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના 455 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા.વિવિધ પડતર માંગણીઓ મુદ્દે છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં તેઓની માંગણીઓ મુદ્દે સરકારે કોઈ યોગ્ય નિર્ણય ન લેતાં આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યવ્યાપી હડતાળ પર જવાનું નક્કી કર્યું હતું જેના પગલે સોમવારે સવારથી જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા હતા.
આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓ ના પડતર માંગણીઓ ને લઇ સરકારને રજૂઆત કરી રહ્યા છે જેમાં આરોગ્ય કર્મચારીઓ નાં ગ્રેડ પે માં સુધારો કરવામાં આવે, સાથે જ ટેકનિકલ ગ્રેડ પે માં સમાવેશ કરવામાં આવે, કર્મચારીઓ ને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા, ટેકનિકલ કેડરમાં સમાવેશ સહિતના મુદ્દે છેલ્લા ઘણાં સમયથી જિલ્લા ના આરોગ્ય કર્મીઓ માંગણી કરી રહ્યા છે જેના પગલે સોમવારથી વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા અને રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું.
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના હેલ્થ વર્કર, મલ્ટી હેલ્થ વર્કર જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 455 કર્મીઓ આ હડતાળમાં જોડાયા હતા.
હાલમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે સાથે જ વાયરલના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં આરોગ્ય કર્મીઓ હડતાળ પર જતાં ગ્રામીણ વિસ્તારોમાં તેની વ્યાપક અસર જોવા મળી શકે છે જે રીતે હાલમાં દર્દીઓને કારણે ઓપીડીમા કેસોની સંખ્યા વધી છે તેવામાં આ હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારને આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆતો કરી હતી સાથે જ કર્મચારીઓ માસ સી એલ પર પણ અગાઉ ઉતર્યા હતા છતાં કોઇ સકારાત્મક પરિણામ ન આવતાં આ અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.અને જ્યાં સુધી આ પડતર પ્રશ્ને નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
