Vadodara

આરટીઈ પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં વધારો કરાયો, હવે 6 લાખ સુધી લાભ મળશે

ધો.1માં પ્રવેશ માટે 6 લાખ આવક મર્યાદા કરતા અનેક વિદ્યાર્થીને લાભ થશે :

અગાઉ શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની આવક મર્યાદા હતી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ગણાશે. શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં 6 લાખ સુધીની આવક મર્યાદા નક્કી કરાઈ છે. 15 એપ્રિલ સુધી RTE પ્રવેશ માટે અરજી કરી શકાશે.

અગાઉ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1.50 લાખ હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ આવક મર્યાદા હતી. 6 લાખની આવક મર્યાદા કરાતાં અનેક વિદ્યાર્થીઓને લાભ થયો છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યાં છે. હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.16 મી માર્ચ સુધી શરૂ છે. અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વડપણ હેઠળ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.શિક્ષણ વિભાગના તા.13 માર્ચના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ.6 લાખ કરવામાં આવી છે. હવે વધુમાં વધુ પાત્ર વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશનો લાભ મળે તે માટે આ તમામ કેટેગરીના વાલીઓ માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ.6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોને અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે.

Most Popular

To Top