માતેલા સાંઢની ગતિએ હંકારતા ભારદારી વાહનો બાદ પાલિકાના વાહનો બેફામ :
પાર્કિંગમાં પડેલા વાહનોને અડફેટે લીધા,અકસ્માત સર્જી ગાડીનો ચાલક ફરાર :
( પ્રતિનિધી )વડોદરા,તા.23
વડોદરામાં ભારદારી વાહનો સાથે હવે પાલિકાના ડોર ટુ ડોરના વાહનો બેકાબૂ બન્યા છે. ત્યારે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી ગાડીના ચાલકે પાર્કિંગમાં મુકેલા વાહનને અડફેટે લઈ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાને મોટું નુકસાન થયું હતું. સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ થતા ટળી હતી. જ્યારે બીજી તરફ અવાર નવાર સર્જાતા અકસ્માતોથી નાગરિકોને માર્ગ પરથી પસાર થવામાં પણ હવે ભય અનુભવાય રહ્યો છે.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં બેફામ બની રહેલા ભારદારી વાહનો બાદ હવે ફરી એક વખત પાલિકાના એક વાહને અકસ્માત સર્જ્યો હતો. પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પેટ્રોલ પંપની સામે જૂની વોર્ડ કચેરીની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં થયેલા વાહનોને લીધા હતા. પાર્કિંગમાં ઊભા રહેલા વાહનો પૈકી એકટીવાને ભારે નુકસાન થયું હતું.જ્યારે સર્જાયેલા અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા જ્યારે આ અકસ્માત સર્જીને ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આજ કોમ્પ્લેક્સમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા મીનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું મારી દુકાનનું બારણું બંધજ કરતો હતો અને અચાનક આ કચરાની ગાડીવાળાએ આવી સ્કૂટર ઉપર ચડાવી એક્સિડન્ટ કર્યો અને અહીંથી ભાગી ગયો હતો. વીએમસીની કચરો ઉઠાવતી ગાડી હતી. આ અંગે પોલીસને જાણ કરતા આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી કરી હતી.