નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરવાનું કૌભાંડ
ટોલ પરથી ખોટા કપાયેલા પૈસા પરત લેવા 17 જેટલા પ્રશ્નોનાં જવાબ આપવાનો આક્ષેપ

આમોદ,ભરૂચ,તા.10
આમોદ નગરમાં ગુજરાત સોસાયટીમાં રહેતા બાબુભાઈ બરફવાળાની ગાડી શુક્રવારે ઘર આંગણે પાર્ક કરેલી હતી ત્યારે ભાવનગર રોહિસામાં નજીક ટોલ ટેક્ષ કપાતા તેઓ ભારે આશ્રર્ય પામી ગયા હતા.જેથી તેમણે પોતાના પૈસા પરત મેળવવા માટે ટોલપ્લાઝાની સંબંધિત એજન્સી સામે ફરિયાદ કરી હતી.
આમોદ નગરમાં ગુજરાત સોસાયટીમાં રહેતા બાબુભાઈ બરફવાળા પોતાના કામ અર્થે શુક્રવારના રોજ મુંબઈ ગયા હતા.તેઓની મેગ્નાઈટ ગાડી જી.જે.16 ડી.એસ.3540પોતાના ઘર આંગણામાં પાર્ક કરેલી હતી છતાં ભાવનગર ખાતે આવેલા રોહિસા ટોલપ્લાઝા નજીક તેઓનો ૧૧૫ રૂપિયાનો ટોલ ટેક્સ કપાયો હોવાનો મેસેજ આવતા તેઓ અચંબિત બની ગયા હતા.જેથી તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યકત કર્યો હતો અને પૈસા પરત મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગર નજીક રોહિસા ટોલ પ્લાઝામાં ઓનલાઈન ટોલટેક્સ કપાઈ જતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ જણાઈ રહ્યું છે.ગાડીના માલિક બાબુ બરફવાળાનું કહેવું છે કે 115 રૂપિયા પરત લેવા માટે 17 જાતના પ્રશ્નોના જવાબ આપવા પડે છે ત્યારે જે તે ટોલપ્લાઝાના અધિકારીએ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરીને નાગરિકોને તેમના રૂપિયા સરળતાથી પરત આપવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાહનચાલકોના આ રીતે રૂપિયા કપાયા છે ત્યારે આ નેશનલ હાઇવે ઓથોરિટીના ટોલ પ્લાઝાની ટેકનિકલ ખામી છે કે પછી જવાબદાર અધિકારીઓનું મિલિભગતથી ચાલતું વ્યવસ્થિત કૌભાંડ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.