શાળા ખાતે રજુઆત દરમિયાન ઘર્ષણ થતાં રજુઆત કર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી
(પ્રતિનિધિ) આણંદ તા 25
આણંદ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલ આનંદાલય એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થાઓ ખાતે વિવાદિત કામગીરી પગલે ઉગ્ર વિરોધ સાથે યોગ્ય નિરાકરણ માટે માંગ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ફોર્મ ફી ના નામે પૈસાની ઉઘરાણી , FRC ના નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર પૈસા ની ઉઘરાણી , સરકારના નિયમ વિરુદ્ધ 12 ડિજિટનો આધારકાર્ડ નંબર લેવો , વાલીઓના ઇન્ટરવ્યૂ મૌખિક / લેખિત લેવા ,જીનિયર કેજી (૪ વર્ષ)ના બાળકો ના ઇન્ટરવ્યૂ લેવા જેવા વિવિધ વિષયો બાબતે પરેશાનીઓ વેઠવી પડી રહી છે. જેથી આવા મુદ્દાઓની રજૂઆત માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. તેમજ જો આ ગેરરીતિ તાત્કાલિક બંધ કરવામાં ના આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી સ્કૂલ પ્રશાસનની રહેશે.તેવી ચિમકી ઉચ્ચારી હતી. જોકે આ દરમિયાન ભારે ઘર્ષણ થતાં પોલીસે ટીંગાટોળી કરી હતી. રજુઆત કરનાર વાલીઓ અને એબીવીપી હોદ્દેદારો કાર્યકરોની અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 76 વર્ષ થી શિક્ષણ જગતમાં સક્રિય છે. આટલા વર્ષોમાં સંગઠનને દેશભરમાંથી વિદ્યાર્થીનું સમર્થન અને શિક્ષણવિદોનો સહકાર પ્રાપ્ત થયો છે અનેક પ્રસંગોમાં વિદ્યાર્થી પરિષદ શૈક્ષણિક સમસ્યાઓને લઈને સાર્થક અને સફળ હસ્તક્ષેપ કર્યોછે. ત્યારે આણંદમાં પણ એબીવીપી ધ્વારા આનંદાલય શાળામાં વિવાદિત મુદ્દાઓનું નિરાકરણ લાવવા ઉગ્ર માંગ વ્યક્ત કરવામાં આવી છે.
