Vadodara

આનંદપુરા બાદ હવે માંડવીના હનુમાન મંદિરને તસ્કરોના નિશાને, ચાંદીનું છત્તર અને મુકુટ ચોરી ગયા


વડોદરા તા.13
વડોદરા શહેરમાં તસ્કરીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે હવે ચોરટોળકી મંદિરોને પણ નિશાન બનાવી રહી હોવાનું સામે આવ્યું છે. આનંદપુરા વિસ્તારમાં હનુમાનજીના મંદિરની ચોરી બાદ હવે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા માંડવી સ્થિત સંકટ મોચન હનુમાનજીના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માંડવી વિસ્તારમાં આવેલું અંદાજે 40 વર્ષ જૂનું સંકટ મોચન હનુમાનજીનું મંદિર ગત 10 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તસ્કરો દ્વારા નિશાન બનાવાયું હતું. મંદિરના પૂજારી મંદિર બંધ કરી ઘરે ગયા બાદ રાત્રી દરમિયાન તસ્કરોએ મંદિરની જાળીમાંથી હાથ નાખી અંદરના કબાટ ખોલી ભગવાનની પ્રતિમા પરથી ચાંદીનું છત્તર અને ચાંદીનું મુકુટ ચોરી લીધું હતું.
બીજા દિવસે સવારે મંદિર ખૂલતાં જ ચોરી થયાની જાણ થઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ ચોરાયેલા ચાંદીના આભૂષણોની કિંમત આશરે રૂ.70 હજાર જેટલી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે માંડવી વિસ્તાર ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે તેમજ આસપાસ અનેક સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં તસ્કરોએ નિર્ભયતાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાડી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપી તસ્કર સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ અને હવે મંદિરોને પણ નિશાન બનાવતી ટોળકી સામે પોલીસ માટે મોટો પડકાર ઉભો થયો છે.

Most Popular

To Top