પ્રજાને પરેશાન કરવા વડોદરા મહાનગર પાલિકાના તમામ વિભાગમાં લાલીયાવાડી
વડોદરા: વડોદરાની જનસેવા કચેરી લોકમુખે ધનસેવાના નામે ઓળખાવા માંડી છે. આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે સિનિયર સિટીઝન , સંસ્કારી નગરીના નાગરિકોની સુવિધા અર્થે કાર્યરત વડોદરા મહાનગર પાલિકા સંચાલિત આધાર કાર્ડ કેન્દ્ર પર નાગરિકોનો ધસારો અવિરત ચાલુ જ રહે છે. એક પણ દિવસ એવો નથી કે પ્રજાની કતાર જોવા ના મળે. તો ગોકળ ગાયની ગતિ એ ચાલતી કામગીરીના કારણે લોકોને આધારકાર્ડ અપડેટ કરાવવા કલાકો સુધી હાડમારી અને પરેશાની ભોગવી પડે છે. છતાં તંત્રના ઉદાસીન વલણને કારણે કામગીરી ઝડપી બનાવવા કોઈ જ પગલાં લેવાતા નથી. જેમાં સૌથી વધુ પરેશાન મહિલાઓ, વૃદ્ધો અને વયોવૃદ્ધો થતા જોવા મળે છે.
ઈલેક્શન કાર્ડ નવું કરાવીને લાવો એવું જણાવી ધક્કા ખવડાવાય છે
આધાર કાર્ડમાં નામ સરનામા સહિત કઈ પણ અપડેટ કરાવવા માટે જનસેવામાં જ દોડવું પડે છે. કોઈ પણ ડોક્યુમેન્ટમાં નામ અલગ અલગ હોય તો એ જોઈ ને ફરજ બજાવતા કર્મચારીઓ ઈલેક્શન કાર્ડ નવું કરાવી ને લાવો એવું જણાવીને વૃદ્ધો સહિતના નાગરિકોને ધરમ ધક્કા ખવડાવ વામાં અનેરો આનંદ મઝા માણી રહ્યા છે. દક્ષિણ ઝોનમાં આવેલા આધાર કાર્ડ કેન્દ્ર પર આવેલા સિનિયર સિટીઝન સાથે બેહદ વરવો અનુભવ થતા બારી પાસે જ નાસીપાસ થઈ ને બેસી ગયા હતા. એક તરફ પાલિકાના સત્તાધીશો પોતાની અવગણના અને અપમાન મુદ્દે ઈગો ની લડાઈ લડી રહ્યા છે જેનો સીધો ભોગ શહેરના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે ખરેખર તો તંત્ર દ્વારા પ્રજાનું અપમાન અને અવગણના કરવામાં આવી રહ્યા છે. જેમના ટેક્સના ખર્ચે પાલિકા તંત્રના પગાર થાય છે તેની તો કોઈને કઈ પડી જ નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
એજન્ટોને પૈસા આપો તો તરત કામ થઈ જશે
જન સેવા કચેરીની બહાર રખડતા એજન્ટો સાથે કર્મચારીઓની એટલી મજબૂત સાઠ ગાંઠ હોય છે કે પ્રજાના મુખે જનસેવા ના બદલે ધનસેવા નામે અંદર ખાને કચેરી ઓળખાય છે. પાલિકાના સત્તાધિશોએ થોડીક લાગણી સાથે વૃદ્ધો અને વયો વૃદ્ધો માટે અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ. જેમાં પાણી બેઠક વ્યવસ્થા અને શક્ય તેટલા જલ્દી કામગીરી નો ઉકેલ લાવીને તેમને ઓછામાં ઓછા ધક્કા પડે તેવા સત્વરે પગલાં લેવા જોઈએ. એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું.
માંજલપુરમાં કાર્યરત જન્મ મરણ શાખા ગોકળ ગાયની ગતિએ ચાલતા અરજદારો ત્રાહિમામ
શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમા જન્મ મરણ શાખાની કચેરી કાર્યરત કરવામાં આવી છે તમામ આધુનિક સુવિધાઓ સાથે સેન્ટ્રલાઈઝ થયેલી આ ઓફિસમાં કોઈપણ કામગીરી દાયકાઓ પહેલા ચાલતી હતી એટલી ધીમી ગતિથી કામગીરી ચાલે છે. અરજદારોને વારંવાર ધક્કા ખાવા એતો રોજિંદી દૈનિક કામગીરી બની ચૂકી છે. બહારગામથી આવતા વૃદ્ધો મહિલાઓ અપંગ સહિત અરજદારોને કાળઝાળ ગરમીમાં ત્રણથી ચાર કલાક લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે છતાં પણ સમયસર કામગીરી તો થતી જ નથી.જેના પરિણામે અનેકને ધરમધક્કા ખાઈને નાણા તથા સમયનો બગાડ કરીને પરત જવાનો વખત આવે છે. ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં સરદાર માર્કેટ ખાતે કેવડાબાગ નજીક જૂની જન્મ મરણ શાખાની ઓફિસ હતી. જર્જરીત આ ઓફિસ થવાથી માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખસેડવામાં આવી હતી . જન્મ મરણ શાખાની કામગીરી માત્ર માંજલપુર ખાતે જ થતી હોવાથીદાખલાઓ માટે શહેર તેમજ દૂર દૂરના જિલ્લાના ગામડેથી લોકોને અહીં આવવું પડે છે અને છતાં પણ કામગીરી નિયત સમયમાં નહીં થતા દિવસ બગાડીને ધરમધક્કા ખાધા બાદ વિલા મોઢે પરત જવું પડે છે. આ કચેરીમાં વિવિધ ઠેકાણે માર્ગદર્શન માટે કોઈ સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી કે પછી ઈન્કવાયરી કાઉન્ટર પર હાજર સિક્યુરિટી ગાર્ડ કોઈ વ્યવસ્થિત જવાબ સુદ્ધાં આપતા નથી.
કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર હોતા નથી
અરજદારો દ્વારા એવા પણ આક્ષેપ થયા છે કે ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં કોઈ કર્મચારી પોતાના કાઉન્ટર પર હાજર નહીં હોવાના આક્ષેપો કરાયા છે. નિયત સમયે કોઈ પણ જાતના સર્ટિફિકેટ મળતા નથી અને વારંવાર ધક્કા ખાવાની ફરજ પડે છે. 10:30 વાગ્યા પછી જ તમામ સ્ટાફ ફરજ પર આવતા હોય છે. સમયસર કામગીરી ચાલુ થવાના બદલે કર્મચારીના સમયે દાખલાની કામગીરી શરૂ કરવામાં આવે છે. છતાં તંત્ર કોઈ જ જાતના અસરકારક પગલાં લેતા નથી.
