આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ,પરંપરા, પહેરવેશ, પ્રકૃતિ પ્રેમ ને આજે પણ વળગેલો છે અને પોતાના સાંસ્કૃતિક વારસાને અડગ રીતે જાળવી રાખ્યો છે
ગરબાડા: ગરબાડા તાલુકા સહિત સમગ્ર આદિવાસી સમાજમાં આજે પણ એક અનોખી અને પૌરાણિક પરંપરા અકબંધ રીતે જીવંત છે. નવી મકાઈનો પાક તૈયાર થાય ત્યારે આદિવાસીઓ પોતાના ખત્રી (પૂર્વજો) અને પરંપરાગત દેવતાઓને અર્પણ કરી આભાર વ્યક્ત કરે છે.

નવી મકાઈના ડોડાના દાણા ભાત, ઘી અને ગોળ સાથે ભોજન તરીકે તૈયાર કરવામાં આવે છે, જેને ‘નેવોજ’ કહેવાય છે. આ નેવોજ બનાવવાની પ્રથા ઘરના સૌથી વડીલ સભ્ય દ્વારા હાથ ધરાય છે. ખાસ વાત એ છે કે મહુડાનો રસ હાથમાં લઈ ધાર નાખીને પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે.

એકવાર 7 થી 10 જેટલા નેવોજ તૈયાર થઈ જાય, તો પ્રથમ નેવોજ ભાણેજને ખવડાવવામાં આવે છે, ત્યારબાદ કૂતરાને અર્પણ કરવામાં આવે છે અને બાકી રહેલા નેવોજ આજુબાજુના ઘરોમાં વહેંચાઈ જાય છે. ગામવાસીઓ એકબીજાના ઘરમાંથી આવેલું નેવોજ અનિવાર્ય રીતે ગ્રહણ કરે છે.
ઘરઆંગણે પૂજન કર્યા બાદ મકાઈના ડોડા ગામના દેવને ચઢાવી, ધાર નાખીને વિધિ પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ જ સમગ્ર પરિવાર મકાઈનો ભોજન કરે છે.
આ પરંપરાને આદિવાસી સમાજમાં “નવાઈ” કહેવામાં આવે છે. નવાઈ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, પ્રકૃતિ પ્રત્યેનો આભાર અને કુટુંબીય એકતાનું પ્રતિક છે. સમાજના વડીલોનો વિશ્વાસ છે કે આ વિધિ તેમના પૂર્વજોના સમયથી અવિરત ચાલી આવી છે અને આજે પણ તે જ ભાવ સાથે ઉજવાઈ રહી છે.