હરિધામ-સોખડાથી અલગ થયેલ પ્રબોધ જુથને કાનૂની લડાઈમાં દસ દિવસમાં બીજી પછડાટ પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 41- સંયુક્ત ચેરિટી કમિ. ડૉ. યોગીની એ હેઠળ વિસ્તૃત હુકમ સીમ્પીનો તલસ્પર્શી ચુકાદો
ટ્રસ્ટે ના પાડી હોવા છતાં રોકડામાં ફી વસુલીને મંજુરી વગર ખર્ચાઓ કરનાર પ્રબોધ જુથે ગેરકાયદેસર રીતે પચાવી પાડેલ વહીવટ ટ્રસ્ટને સોંપવો પડશે
(પ્રતિનિધિ) વડોદરા તા.25
હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની હેણાંક વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને કાનૂની લડાઈમાં વધુ એક નિષ્ફળતા મળી છે. વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશનર ડી. યોગીની સીમ્પીએ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ -1950 ની કલમ 41-એ હેઠળ કરેલા હુકમમાં પ્રબોધજીવન જૂથના ગણાતા વહીવટકર્તાઓને આત્મીય વિદ્યાધામ, બાકરોલનો વહીવટ અને સંચાલન યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોંપી દેવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, એપ્રિલ2022માં પ્રભોપજીવનદાસનાં નેતૃત્વમાં 179 જેટલા સાધુઓ. સાધ્વીઓ અને સેવકોનું જૂથ ગુજરાત હાઇકોર્ટ હેબિયસ કોર્પસ પીટીશનમાં ફરમાવેલ વચગાળાના એકતરફી હુકમની આડમાં હરિધામ સોખડા છોડીને સ્વૈચ્છિક રીતે નીકળી ગયા હતા. તે પૈકીના પુરુષોને રહેવા માટે આણંદ જીલ્લાના બાકરોલ સ્થિત આત્મીય વિદ્યાધામમાં વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અસ્થાયી હેણાંક વ્યવસ્થા જુલાઈ-2022માં સમાપ્ત કરી દેવામાં આવી હતી. તેમ છતાં અલગઅલગ કાયદાઓ હેઠળ હેણાંક વ્યવસ્થા કાયમી કરવા પ્રયત્નો તે જુથે ચાલુ રાખ્યા હતા. પરંતુ, ચેરિટી કમિશનરથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધી ક્યાંય સફળતા મળી ન હતી.ગુજરાત હાઇકોર્ટે હેબિયસ કોર્પસ પીટીશનમાં કરેલા વચગાળાના હુકમનું ખોટું અર્થઘટન કરીને પ્રબોધજીવન જૂથના પરમ ઉર્ફે કલ્પેશ કવા, વિઠ્ઠલભાઈ પટેલ સહિતના લોકો ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ નિયુક્ત સમિતિના સભ્યોને આત્મીય વિદ્યાધામ, બાકરોલના વહીવટ અને સંચાલન માટે પ્રવેશ કરવા દેતા ન્હોતા. વિદ્યાર્થીઓ પાસેથી રોકડામાં ફીવસુલ કરીને બેફામ ખર્ચા કરતા હતા. કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી તો વ્યક્તિગત પે વોલેટમાં ફી સ્વીકારવામાં આવી હતી. સાથેસાથે પોલીસમાં ખોટી અરજીઓ આપીને ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ નિયુક્ત સમિતિના સભ્યોને પરેશાન કરવાનું વલણ રાખતા.આથી ટ્રસ્ટને નાણાંકીય અને સામાજિક નુકસાનને અટકાવવા માટે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-1950ની કલમ 41-એ હેઠળ વડોદરાના સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ અરજી કરવામાં આવી હતી આત્મીય વિદ્યાધામનો ગેરકાયદેસર રીતે વહીવટ કરતા લોકો યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ, સોખડાના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સમિતિના સભ્યોને અને ટ્રસ્ટ દ્વારા અધિકૃત કરવામાં આવેલ લોકોને મિલકતમાં પ્રવેશ કરતાં અને તે સમગ્ર મિલકતના સંચાલન, વહીવટ અને રક્ષણ માટેની કોઈપણ પ્રકારની કામગીરી કરતા અટકાવે નહીં કે અવરોધ ઉભા કરે નહીં. વિદ્યાર્થીઓ- રહેવાસીઓ પાસેથી રૂમની સુવિધા પ્રમાણે વસૂલ કરેલી વ્યક્તિદીઠ ફીનો નામ/સરનામા/સંપર્કની વિગત સાથે હિસાબ તેમજ ફી વસૂલ કરવા સમયે નાણાં ભરનારને આપવામાં આવેલી તમામ રસીદો/પહોંચોની નકલ ચેરિટી કચેરીમાં જમા કરાવવા ટ્રસ્ટ વતી કે ટ્રસ્ટ સંચાલિત મિલકતો બાબતે કોઈ કચેરીઓમાં કોઈ અરજીઓ/ રજૂઆતો કરે કે કરાવે નહી કે ટ્રસ્ટની મિલ્કતોમાં અસરકર્તા બને તેવી કોઈ પ્રવૃત્તિ કરે કરાવે નહીં કે તેઓને ટ્રસ્ટની મિલકતોના વહીવટકર્તા/વપરાશકર્તા તરીકે દર્શાવી કોઈ પ્રવૃત્તિ કરે-કરાવે નહીં તેમજ ટ્રસ્ટીઓની પૂર્વ પરવાનગી વિના ટ્રસ્ટની માલિકીના બાકરોલ સ્થિત આત્મીય વિદ્યાધામ સંકુલમાં કોઈપણ કાર્યક્રમો યોજે નહીં તેમજ ધાર્મિક,સામાજિક કાર્યક્રમોના નામે ફંડ-ફાળો, દાન-ભેટ ઉપરાવે નહીં તેવી કાયમી સુચના આપવાની દાદ માંગવામાં આવી હતી.
બંન્ને જૂથ વચ્ચે ચાલી રહેલ વિવાદોને ધ્યાનમાં રાખીને સંયુક્ત ચેરીટી કમિ. ડૉ. યોગીનીબેન સીમ્પીએ સૌપ્રથમ નિરીક્ષકને મોકલીને અહેવાલ મંગાવીને અરજી દાખલ કરવા બાબતે નિર્ણય ક્યો હતો તે અનુસાર નિરીક્ષકે પંચોની હાજરીમાં આત્મીય વિદ્યાધામની રૂબરૂ મુલાકાત લઈને વિસ્તૃત અહેવાલ સુપ્રત કર્યો હતો. દરમિયાનમાં પ્રભોજીવન જૂથે સંયુક્ત ચેરીટી કમિ.ને આ પ્રકારની અરજી સાંભળવાનો અધિકાર નહીં હોવાનો પ્રાથમિક મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે ફગાવી દઈને મૂળ અરજીની સુનાવણી હાથ પરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન પ્રબોધ જૂથના લોકો દ્વારા બે અલગઅલગ તબક્કે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. જે કોર્ટનું વલણ જોઇને પરત લેવી પડી હતી.ડૉ. સીમ્પીએ તેમના વિસ્તૃત ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, હુકમમાં અરાજીની વિવિધ બાબતો અંગે તલસ્પર્શી છણાવટ કરીને અરજીમાં માંગવામાં આવેલી તમામ દાદો મંજુર કરી છે. ઉપરાંત ટ્રસ્ટીઓને યોગ્ય રીતે વહીવટ કરવા અને પ્રબોધ જૂથના લોકોને ટ્રસ્ટીઓની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા સૂચના આપી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, યોગી ડિવાઇન સોસાયટીના ટ્રસ્ટી નરેન્દ્રકુમાર મણિલાલ પટેલ (નગીનદાસ શેઠ)નું નિધન થતાં આત્મીય વિદ્યાધામ ખાતે આવેલ પ્રાર્થના હોલમાં પ્રાર્થનાસભાનું આયોજન ફેબ્રુઆરી 2024માં કરવામાં આવ્યું હતું. તે સમયે ટ્રસ્ટના હાલના પ્રમુખ પ્રેમસ્વરૂપસ્વામીજી તથા હરિધામ સોખડાના સંતો-હરિભક્તો પ્રાર્થનાસભામાં પહોંચ્યા ત્યારે પ્રબોધજીવનદાસના જુથના કેટલાક માથાભારે માણસોએ બહારથી બોલાવેલા લોકોની સાથે મળીને પ્રાર્થનાસભામાં ખલેલ ઉભી કરી હતી, સૂત્રોચ્ચાર કર્યા હતા, હોલના એ. સી. ચાલુ કરવા દીધેલ નહીં અને તકરાર કરીને તંગ વાતાવરણ ઉભું કરેલ પ્રાર્થનાસભામાં ઉશ્કેરણી કરીને ખોટા કેસો ઉભા કરવાના આશયથી બેહૂદુ અને મૃત્યુનો મલાજો ન જળવાય તેવું કૃત્ય પ્રબોધજીવન જુથે કર્યું હતું.
ગત તા. 11 ઓગસ્ટે પ્રબોધજીવન જુથે દીવાની દાવામાં સિવિલ કોર્ટમાંથી મનાઈહુકમ ન મળતાં કરેલી અપીલ ગુજરાત હાઇકોર્ટનું વલણ જોઇને પરત લેવી પડી હતી. તે પછી તા. 20 ઓગસ્ટે સંયુક્ત ચેરીટી કમિશનરમાંથી પણ તે જૂથને વહીવટમાંથી ફારેગ કરતો હુકમ થતાં પ્રબોધજીવન જૂથને દસ દિવસમાં બીજી કાનૂની પછડાટ મળી છે. કલમ 41-એ હેઠળની આ કાયદાકીય કાર્યવાહીમાં ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ રસેશ સંજાણવાળા અને ગૌતમ જોશી ઉપરાંત અર્ચિત જાની, ઇશાન જોશી તેમજ ચેરિટી કમિશનરમાં ડી.સી. મિસ્ત્રીએ હરિધામ-સોખડા વતી સફળ અને ધારદાર દલીલો કરી હતી.