Charotar

આણંદ મામલતદાર કચેરીમાં 9 વચેટિયા પકડાયાં

જનસેવા કેન્દ્રની આસપાસ ફરતા વચેટિયા અરજદારો પાસેથી નાણા પડાવતા હતા .

આણંદ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની આસપાસ ફરતા વચેટિયાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સો મામલતદાર કચેરી બહાર 100 મીટર ત્રિજ્યામાં એજન્ટ ટોળી બનાવી કચેરીમાં આવતા અરજદારોને ઉલટી – સીધી વાતો કરી ભોળવીને લલચાવી ગેરમાર્ગે દોરી પૈસા પડાવતાં હતાં. આ અંગે પોલીસે કુલ 9 શખ્સને શોધી તેમની સામે કાર્યવાહી કરી હતી.

આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં આવતા અરજદારને ઉલટી-સીધી વાતો કરી ભોળવી – લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેપરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે આણંદના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લાની સરકારી કચેરીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ધરાવનારી વ્યકિતઓને તમામ સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.  આ જાહેરનામાને ધ્યાને લઈ મામલતદાર આણંદ (શહેર / ગ્રામ્ય) દ્વારા 1લી જુલાઇ,2024ના રોજ જનસેવા કેન્દ્રની આસપાસ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ઘરાવનારા 9 શખ્સ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

આ વચેટિયામાં શીતલબહેન દીપક બાબુ સુથાર (રહે. બાકરોલ), કોકિલાબહેન કીરીટ લલ્લુ યાદવ (રહે. કરમસદ), નસીમબહેન મુરમહમદ મલેક (રહે. નાપાડવાંટા, આણંદ), ફેમીદા સલીમ વ્હોરા (રહે. સો ફુટ રોડ, આણંદ), જયશ્રીબહેન રસીકલાલ વ્યાસ (રહે. પ્રિયા કોમ્પ્લેક્સ, આણંદ), કોકિલાબહેન ચુની રમણ પરમાર (રહે. સારસા), રમણ શંકર વાઘેલા (રહે. ધુળેટી, પેટલાદ), હસન બાઉદ્દીન વેરીયા (રહે. વ્હેરાખાડી, આણંદ), જયેન્દ્ર મગન દરજી (રહે. સુરાશામળ, નડિયાદ)નો સમાવેશ થાય છે. આ તમામ સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top