પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ધ્વજવંદન કર્યું, શ્રેષ્ઠ શિક્ષકો અને સફાઈ કર્મચારીઓનું સન્માન
(પ્રતિનિધિ)આણંદ તા 26
આણંદ મહાનગરપાલિકા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રથમ મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપનાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે 68મી રાષ્ટ્રીય શાળા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મલેક રિઝવાનાબાનુ સહિત ચાર શિક્ષિકાઓ – અલકાબેન મહિડા, દક્ષાબેન ખીમનાની, સંધ્યાબેન ચૌહાણ અને કલ્પનાબેન પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નગરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ત્રણ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓ – ધનવંતભાઈ વાઘેલા, જશોદાબેન સોલંકી અને રાજેશભાઈ વાઘેલાને પણ શાલ અને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા.
કમિશનર બાપનાએ આણંદના વિકાસ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી, જેમાં ચિખોદરા ચોકડીથી જનતા ચોકડી અને આણંદ-વિદ્યાનગર માર્ગને આઇકોનિક રોડ બનાવવાનું આયોજન સામેલ છે. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકામાં પૂર્વ-પશ્ચિમ બે ઝોન બનાવવામાં આવ્યા છે અને શહેરના સર્વાંગી વિકાસ માટે વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, એસ.કે. ગરવાલ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા