રાજ્યની 5 નંબરની આર્થિક સધ્ધર આણંદ મહાનગરપાલિકા બની
મહાનગરપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરના સર્વાંગી વિકાસ માટે 1055 કરોડનું બજેટ બનાવાયું
આણંદ.
આણંદ નગરપાલિકાને 1લી જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તેમાં કરમસદ, વિદ્યાનગર પાલિકા અને ચાર ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન દબાણ અને સ્વચ્છા પર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે, હવે આગામી નવા નાણાકીય વર્ષથી સમગ્ર મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂ.1055 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આણંદ મહાનગરપાલિકાના પ્રથમ બજેટમાં જ શહેરની સમૃદ્ધિની છાંટ દેખાઇ રહી છે. આ બજેટ રાજ્યની મહાનગરપાલિકામાં 5મા ક્રમે છે.
આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજુ કરતાં સમયે મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપના, વહીવટદાર પ્રવિણ ચૌધરી સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બજેટમાં રેવન્યુ આવક 21,097.74 લાખ, કેપિટલ આવક રૂ.87,228.44 લાખ સામે રેવન્યુ ખર્ચ રૂ.15,540.80 અને કેપિટલ ખર્ચ રૂ.89,990.75 લાખ અંદાજવામાં આવી છે. આમ કુલ બજેટ રૂ.1,05,531.54 લાખનુ અંદાજવામાં આવ્યું છે.
આ બજેટમાં ટેક્સની આવક 5,263.40 લાખ, નોનટેક્સની આવક 11,747.56 લાખ, રેવન્યુ ગ્રાન્ટ 4,086.78 લાખ, કેપિટલ આવક 87,228.44 લાખ સામે મહેકમ ખર્ચ 4,494.26 લાખ, ઇલેક્ટ્રીસીટી અને નિભાવણી ખર્ચ 1,649.26 લાખ, કન્ટીજન્સી ખર્ચ 2,855.60 લાખ, રેવન્યુ ગ્રાન્ટ ખર્ચ 33.20 લાખ, સફાઇ ખર્ચ રૂ.2,755.45 લાખ, બગીચા નિભાવણી ખર્ચ 160 લાખ, નિભાવણી ખર્ચ 3,593.03 લાખ અને કેપિટલ ખર્ચ રૂ.89,990.75 લાખ થવાનો અંદાજ છે.
શહેરમાં આઈકોનિક રોડ અને તળાવોના બ્યુટિફિકેશન કરવામાં આવશે
આણંદ મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 14 રોડને આરસીસી રોડ બનાવવામાં આવશે. જ્યારે 10 ફુટ રોડ ક્રિષ્ના પાર્ક ચોકડીથી મોટી ખોડિયાર સુધી ડામર રોડ, ટાઉનહોલ ચોકડીથી ભાઇકાકા ચોકડી સુધી આઈકોનિક રોડ, ભાલેજ બ્રીજથી ગ્રીડ ચોકડી સુધી બ્યુટીફિકેશન કરાવવું, એલીકોન ગાર્ડનથી બાકરોલ ગેટ સુધી રોડને તમામ સુવિધાઓથી સજજ આરસીસી રોડ બનાવવામાં આવશે. આણંદ શહેર તથા ગામતળના રસ્તાઓ નવીન બનાવવામાં આવશે, તેવી જ રીતે જળસંગ્રહ સક્તિ વધારવા 4 તળાવો ઉંડા કરવા, ફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ તળાવોનું બ્યુટિફિકેશન, હયાત 25 બગીચા અપગ્રેડ કરવા તેમજ 5 નવા બનાવવા, નગરજનોની આરોગ્યલક્ષીની સુખાકારીમાં વધારો કરવા, 2 નવીન ઓક્સીજન પાર્ક બનાવવા, 2 નવીન પાર્ટી પ્લોટ બનાવવા, જાપાનની મિયાવાકી પધ્ધતિથી 1 નવીન ગાર્ડન બનાવવા તથા ગોયા તળાવ ડેવલપમેન્ટ કરવામાં આવશે.
આણંદની ઓળખ અને રમત- ગમત, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે સુવિધા ઉભી કરાશે
આણંદની ઓળખ લઈ મહાનગરપાલિકા વધુ ગંભીર દેખાઇ રહી છે. બજેટમાં નવિન કલ્ચર સેન્ટર, નવા ટાઉનહોલ, બિઝનેસ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, લેન્ડ સ્કેપિંગ, પ્લાન્ટેશન, મેટલ સ્કલ્પચરથી સુશોભન, ઘોડિયાઘર, ફુડ સેફ્ટી અંતર્ગત બે વેજીટેબલ માર્કેટ, ફ્રુટ માર્કેટનું નિર્માણ, બોરસદ ચોકડી ફ્લાય ઓવર નીચે રમત ગમત સંકુલનું નિર્માણ, સરદાર બાગ પોલીસ ચોકડીથી ઇન્દિરા સ્ટેચ્યુ થઈ સ્માર્ટ બજાર ચોકડી સુધી સેફ્ટીની તમામ સુવિધાઓથી સજજ કરવામાં આવશે. આ ઉપરાંત ચાર નવા યોગા સેન્ટર, બે ઓપન જીમ, નવા સ્વીમિંગ પુલ, રીક્રેશન સેન્ટર, ડેડીકેટેડ સાયકલ ટ્રેક, આઉટડોર ગેમ ઝોન, બે નવી લાયબ્રેરી અને સ્ટડી સેન્ટર, શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ અપગ્રેડેશ, સિન્થેટીક હોકી કોર્ટ, ચાર નવા બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, પીકલ બોલ કોર્ટ, બોક્સ ક્રિકેટ બનાવવામાં આવશે.
આણંદમાં અંગ્રેજી માધ્યમની શાળા તથા સ્માર્ટ શાળા બનશે
આણંદ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. જન્મ- મરણ સહિત લગ્નના રેકર્ડને ડિજીટલાઇઝેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રિડેવલપમેન્ટ કરવા, દરેક ઝોન ખાતે એક આયુષ સેન્ટર નિર્માણ કરવા, આંગણવાડીઓનું નવીનીકરણ, ડિજીટલ એજ્યુકેશનની પહેલ માટે તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા, એક ઇંગ્લીશ મિડિયમની સ્કૂલ બનશે.
પ્રજાની સુરક્ષા માટે ફાયર અને નવીન ઢોર ડબ્બા ખરીદવામાં આવશે
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ફાયરને લગતી વિવિધ મશીનરી અને સાધનોની ખરીદી કરવામાં આવશે, ફાયર સંબંધિત સુરક્ષા માટે નવા વોચ ટાવર બનાવવા, નવા ફાયર સ્ટેશન બનશે. આ ઉપરાંત રખડતા પશુઓને ટેગ લગાવવામાં આવશે, 500 ઢોરોની ક્ષમતાવાળું ઢોર ડબ્બા અપગ્રેડ, નવી ઢોર ડબ્બા ખરીદવા, પશુધનની નોંધણી કરવામાં આવશે.
રેન્યુએબલ એનર્જી અને પર્યાવરણની સુરક્ષા અંગે પગલા ભરાશે
નેટ ઝીરો ઉત્સર્જનના ધ્યાયને હાંસલ કરવા શાળા અને આંગણવાડી તેમજ કોર્પોરેશન હસ્તકની મિલકતોની છત પર સોલાર સિસ્ટમ ફિટ કરવા, 10 નવી ઇ-બસ મેળવવા દરખાસ્ત કરવા, 10 નવા ઇવી ચાર્જીંગ સ્ટેશન સ્થાપવા, 6 નવા પમ્પિમગ સ્ટેશન, 2 નવા એસટીપી, પ્રોસેસિંગ પ્લાન્ટના એક્સપાન્સ, સીએનડી પ્લાન્ટના એક્સપાન્સ, 1 બાયો મિથન પ્લાન્ટ, સફાઇ માટે મિકેનાઇઝ્ડ ક્લીનિંગ ટ્રક, મિની સ્વિવીંગ, સુપર શકર જેવા નવીન સાધનોની ખરીદી કરવા, કચરાના નિકાલ માટે 6 નવા ગાર્બેજ ટ્રાન્સપોર્ટ બનાવવા, પબ્લિક ટોયલેટ સહિતના કામો હાથ પર લેવાશે.
મહાનગરપાલિકાનું નવુ રેસ્ટ હાઉસ બનશે
આણંદ મહાનગરપાલિકાની નવી બિલ્ડીંગ બનાવવાનું તેમજ અપગ્રેડેશન કરવામાં આશે, 14 નવી વોર્ડ ઓફિસ, બે નવી ઝોનલ ઓફિસ, બે મલ્ટીલેવલ પાર્કીંગ, નવીન સિટી બસ સ્ટેશન, પાંચ નવા બસ સ્ટોપ, એપીસી સર્કલ તેમજ અટલ ચોક પર બે નવા ફ્લાય ઓવર, અવકુલ હોટલ પાસે અંડર બ્રિજ, મહાનગરપાલિકાનું નવુ રેસ્ટ હાઉસ, એનિમલ હોસ્ટેલ, સરદાર સાહેબનું મ્યુઝિયમ, એનઆરજી ડેસ્ટ અને એનઆરજી સેન્ટર માટે આયોજન હાથ ધરાયું છે.
