કર્મચારીઓને કોણીએ ગોળ ચોંટ્યો | આણંદ મહાનગરપાલિકામાં લાયકાતવાળા ઉમેદવારોનો સમાવેશ કરવાની પ્રમુખની ખાતરી
પાલિકાના હંગામી કર્મચારીઓમાં મોટા ભાગના લાયકાત વગરના અને લાગવગથી આવ્યાં હોવાનો આક્ષેપ
આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં 164 જેટલા ઠરાવ બહુમતીથી પસાર થયાં
(પ્રતિનિધિ) આણંદ તા.1
આણંદ નગરપાલિકાની ગુરૂવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. માત્ર અડધો મિનિટ ચાલેલી આ બેઠકમાં શરૂઆતથી જ વિપક્ષોએ હોહા મચાવી દીધી હતી. જોકે, શાસક પક્ષે પણ પ્રણાલી મુજબ મંજુર મંજુર કરી ઉભા થઇ ચાલતી પકડી હતી. આજની સામાન્ય સભા ખૂબ જ અગત્યની હોવા છતાં શાસક અને વિપક્ષ બન્નેના પરિપક્વતાનો અભાવ જોવા મળ્યો હતો. હાલ આણંદ પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઇ રહી છે ત્યારે કર્મચારી, વિકાસ કામ, ટાઉન પ્લાનીંગ સહિતના મુદ્દે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નહતી. આ સામાન્ય સભામાં વિપક્ષે ઠરાવો ફાડી પ્રમુખ, ચીફ ઓફિસર પર ફેંક્યાં હતાં અને પાલિકાના કર્મચારીમાં ભરતી કૌભાંડ, વિકાસ કામમાં વ્હાલા દવલાની નિતિ સહિતના આક્ષેપ કર્યાં હતાં.
આણંદ નગરપાલિકામાં ગુરૂવારના રોજ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. આ સભા પહેલેથી જ તોફાની બનવાનાં એંધાણ હતાં. જેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, સભા શરૂ થાય તે પહેલા જ મહેશ વસાવાએ કર્મચારીઓનો મુદ્દો ઉઠાવી શાસક પક્ષ તરફી એલાન કરતાં વિપક્ષો વિફર્યાં હતાં. બાદમાં સામાન્ય સભા શરૂ થઈ હતી. પરંતુ વિપક્ષના નેતા જાવેદભાઈ અને મહેશ વસાવા વચ્ચે શાબ્દીક ટપાટપી શરૂ થઇ હતી. વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને બીજી તરફ શાસકાના સભ્યોએ મંજુર મંજુર કરી બોર્ડ આટોપી લીધું હતું. આમ, પાલિકાના 164 જેટલા ઠરાવો તથા વધારાના કામો બહુમતીથી મંજુર થઇ ગયાં હતાં. આજની સામાન્ય સભા ખૂબ જ અગત્યની હતી. એક ચર્ચા મુજબ મહાપાલિકા બનવા જઇ રહ્યું છે, ત્યારે અંતિમ બોર્ડ બેઠક હતી. આમ છતાં, શાસક કે વિપક્ષ બન્નેમાં કોઇ પણ પ્રકારની ગંભીરતા કે પરિપક્વતા દેખાઇ નહતી.
આણંદ નગરપાલિકામાં જ 518 હંગામી કર્મચારી ફરજ બજાવી રહ્યાં છે, તેમાં કેટલાક વરસો જુના પણ છે. આ કર્મચારીઓને ક્યારે કેવી રીતે ભરતી થઈ ? તે હજુ યક્ષ પ્રશ્ન છે. પરંતુ આ મુદ્દે મોટું કૌભાંડ થયું હોવાનો વિપક્ષે આક્ષેપ મુક્યો છે. આ અંગે કાઉન્સિલર સલીમભાઈએ જણાવ્યું હતું કે, આણંદ પાલિકામાં 1995માં ભરતી થઇ હતી. આજદીન સુધી ભરતી થઇ નથી. બોર્ડમાં દેખાવ પુરતો ઠરાવ લાગ્યો છે. આણંદ પાલિકાના કર્મચારીની અછત છે. શાસકોએ તેમના મળતિયાના માણસો મુક્યાં છે. વરસો જુના કર્મચારીને કાયમી કરતાં નથી. ગટરના પ્રશ્નો, ટીપી પ્લાનીંગનો અભાવ, રોજગારીનો અભાવ જોવા મળી રહ્યો છે.
આ અંગે પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આણંદ પાલિકામાં હાલના કર્મચારીઓમાં જે લાયકાતવાળા અને અનુભવી હશે. તેમને જ મહાનગરપાલિકામાં લેવામાં આવશે. આ સમગ્ર નિર્ણય કોર્પોરેશનના વહીવટકર્તા લેશે.
આણંદ પાલિકાના શાસકોએ મહેશ વસાવાના ખભે બંધૂક ફોડી
આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં 164 જેટલા કામો મુકવામાં આવ્યાં હતાં. ખાસ કરીને કર્મચારીના મુદ્દે વિપક્ષોને શાંત પાડવા પાછલા બારણે અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાને કામ સોંપ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું હતું. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ કાઉન્સિલર મહેશ વસાવાએ ઉભા થઇને કર્મચારીઓનો મુદ્દો આવકારદાયક છે તેમ કહી વિપક્ષ સભ્યોને ઠંડા પાડવા કોશિષ કરી હતી. પરંતુ વિપક્ષ નેતાએ તેનો આકરો જવાબ આપ્યો હતો અને હાલના કર્મચારીઓમાં અનેક કર્મચારી ગેરલાયક હોવાનો આક્ષેપ કરી લીસ્ટ જોઇ લેવાનું કહ્યું હતું. આ મુદ્દે ભારે ગરમા ગરમી થઇ હતી. જેથી શાસકોને કારી ફાવી નહતી.
સ્વભંડોળમાં આડેધડ ખર્ચ કરી તિજોરી ખાલી કરી
‘આણંદ નગરપાલિકાના શાસકોએ બે મિનિટમાં સભા પુરી કરી 164 કામો લીધાં છે. સ્વભંડોળમાંથી ખર્ચા કર્યાં છે. હાલ પગાર થવાના પૈસા નથી. તો સ્વભંડોળમાંથી પૈસા વાપરવાનું નક્કી કર્યું છે. નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી લીધાં છે. દબાણમાં ફક્ત ટુંકી ગલી, સ્ટેશન રોડ દેખાય છે. શાસ્ત્રીબાગ પાસે દબાણ દેખાય છે. વોર્ડ નં.6માં સ્લોટર હાઉસ ચાલુ થતું નથી. કોમ્પ્યુનિટી હોલ ચાલુ થયું નથી. લોકોના ઘરોમાં પાણી જાય છે. વોર્ડ નં.4માં રસ્તો બનતો નથી. કાંસની સફાઇ થતી નથી. જ્યાં શાસકોને પૈસા મળે ત્યાં કામ કરી રહ્યાં છે. રખડતા ઢોર, શ્વાન ખસીકરણ, મેલેરિયાના 50 લાખ ક્યાં ગયાં ? વાઉચર પર સાઇન કરી કરોડોના કામો થયાં છે. ’ – ડો. જાવેદભાઈ વ્હોરા, વિપક્ષ નેતા, નગરપાલિકા, આણંદ.
વિદ્યાનગર, કરમસદ પાલિકાના કર્મચારી પણ હવે લડતના મુડમાં
આણંદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા તરફ જઇ રહી છે. જોકે, પ્રથમ ગ્રાસે મક્ષીકામાં હંગામી કર્મચારીઓનો મુદ્દો ઉઠ્યો છે. આ અંગે આણંદ પાલિકા પ્રમુખે સ્પષ્ટ કરી છે કે, જે લોકો લાયકાતવાળા અને અનુભવી હશે તેને લેવામાં આવશે. જેના કારણે 518 કર્મચારી વિસામણમાં મુક્યાં છે. બીજી તરફ આણંદ ઉપરાંત વિદ્યાનગર, કરમસદ પાલિકા અને જે ગામો મહાપાલિકામાં ભળવાના છે તે ગ્રામ પંચાયતના કર્મચારીઓ પણ લડતના મુડમાં આવ્યાં છે.